ડાયરેક્ટર જેમ્સ કેમેરોનની ફિલ્મ અવતાર: ધ વે ઓફ વોટર 16 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ ગઇ છે. અવતાર-2 ને વર્ષ 2022 ની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવશે. આ ફિલ્મમાં ગ્રાફિક્સ, એનિમેશન અને ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ બનાવવા પાછળ અસંખ્ય લોકોની મહેનત જોડાયેલી છે. એટલું જ નહીં આ ફિલ્મ બનાવવા માટે પ્રોડ્યુસરે પાણીની જેમ પૈસા નાંખ્યા છે. ત્યારે ફિલ્મ થિયેટરમાં રિલિઝ થતાની સાથે જ પહેલાં જ દિવસથી બોક્સ ઓફિસ પર તેને સારું ઓપનિંગ મળી રહ્યું છે. આ ફિલ્મની ટિકિટ માટે હાલ પડાપડી થઈ રહી છે. આવી સ્થિતિમાં આંધ્રપ્રદેશથી આવેલાં એક સમાચારે સૌ કોઈને ડરાવી દીધાં છે. આ ફિલ્મ જોતા-જોતા થિયેટરમાં એક વ્યક્તિનું મોત થયું હોવાની ખબર સામે આવતા હડકંપ મચી ગયો છે. આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લાના પેદ્દાપુરમ શહેરમાં હૉલિવૂડ ફિલ્મ ‘અવતાર-2’ જોતા સમયે હાર્ટ એટેક આવતા એક વ્યક્તિનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે.
મૃતકની ઓળખ લક્ષ્મીરેડ્ડી શ્રીનુ તરીકે થઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, લક્ષ્મી રેડ્ડી શ્રીનુ પોતાના ભાઈ રાજુ સાથે પેદ્દાપુરમમાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ અવતાર-2 જોવા માટે થિયેટરમાં આવ્યો હતો. ફિલ્મ ચાલી રહી હતી, ત્યારે જ લક્ષ્મી રેડ્ડી શ્રીનુને હાર્ટ એટેક આવ્યો અને તે ઢળી પડ્યો. જે બાદ નાનો ભાઈ રાજુ લક્ષ્મી રેડ્ડી શ્રીનુને તાત્કાલીક સરકારી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.લક્ષ્મી રેડ્ડી શ્રીનુના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 2010માં રિલીઝ થયેલી “અવતાર” ફિલ્મના પ્રથમ ભાગને જોવા દરમિયાન તાઈવાનમાં પણ એક શખ્સનું હાર્ટ એટેકથી મોત થયું હતુ. અવતાર-2 આજથી 9 વર્ષ પહેલા આવેલી અવતાર ફિલ્મની સિક્વલ છે. “અવતાર: ધી વે ઑફ વૉટર” 16 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ છે. જેમ્સ કેમરુનની “અવતાર” રિલીઝ ડે પર વિશ્વભરમાં 2.9 બિલિયન ડૉલરની કમાણી સાથે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ હતી. અવતાર ફિલ્મના બીજા ભાગને લઈને પણ લોકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું પણ ભારતમાં એડવાન્સ બુકિંગ જોવા મળ્યું હતુ.






