હિંદી સિનેમા જગતની લેજેન્ડ્રી એક્ટ્રેસ શ્રીદેવીએ પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી. શ્રીદેવીને બોલિવૂડની પહેલી લેડી સુપરસ્ટારના નામે ઓળખવામાં આવે છે. તે પોતાના સમયથી સૌથી મોંઘી એક્ટ્રેસીસમાંથી એક હતી. પરંતુ શ્રીદેવીને આ સફળતા રાતોરાત મળી ન હતી. એક્ટ્રેસે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. કહેવામાં આવે છે કે સાઉથ સિનેમાથી બોલિવૂડમાં આવેલી શ્રીદેવીને શરૂઆતના દિવસોમાં ફિલ્મોમાં કાસ્ટ પણ કરવામાં આવતી ન હતી કારણ કે તેની હિન્દી સારી ન હતી. પછી એક કિસ્સાએ એક્ટ્રેસની આખી જિંદગી બદલી નાંખી. એન્ટરટેઇનમેન્ટ રિપોર્ટ અનુસાર, શ્રીદેવીને તેની પહેલી હિન્દી ફિલ્મ ‘સોલવાં સાવન’ (૧૯૭૯) પછી લીડ તરીકે કોઈ ફિલ્મની ઓફર કરવામાં આવી ન હતી. એવું કહેવાય છે કે શરૂઆતમાં એક્ટ્રેસનો અવાજ ડબ કરવામાં આવતો હતો પરંતુ ત્યારે જ રેખાની એક નાએ શ્રીદેવીના સુપરસ્ટાર બનવાનો રસ્તો ખોલી નાંખ્યો. રિપોર્ટ્સનું માનીએ તો જ્યારે ‘હિમ્મતવાલા’ બની રહી હતી ત્યારે મેકર્સે જીતેન્દ્રની સામે પહેલા રેખાને કાસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. પણ પછી રેખા કોઈ બીજા પ્રોજેક્ટમાં બિઝી હતી. રેખાએ ‘હિમ્મતવાલા’ માટે ના પાડી. રેખા અને જીતેન્દ્ર ખૂબ સારા મિત્રો હોવાનું કહેવાય છે, એક દિવસ એક્ટ્રેસે મજાકમાં જીતેન્દ્રને હિમ્મતવાલા માટે શ્રીદેવીનું નામ સૂચવ્યું. તે બાદ શ્રીદેવીને ‘હિમ્મતવાલા’માં કાસ્ટ કરવામાં આવી હતી અને જ્યારે ફિલ્મ મોટા પડદા પર આવી ત્યારે બધા ચોંકી ગયા હતા. ‘હિમ્મતવાલા’એ ધૂમ કમાણી કરી અને આ પછી શ્રીદેવીને ધડાધડ ફિલ્મો મળવા લાગી અને એક્ટ્રેસે પોતાનું ટેલેન્ટ પ્રૂફ કર્યુ. ત્યારબાદ શ્રીદેવી હિન્દી સિનેમા જગતની પહેલી લેડી સુપરસ્ટાર તરીકે પણ જાણીતી હતી.






