ઈઝરાયેલ ગાઝા પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. તે દરમિયાન તેણે ગાઝાની અલ-શિફા હોસ્પિટલ પર હુમલો કર્યો છે. આ હુમલામાં 60લોકોના મોત થયા છે જ્યારે 60થી વધુ લોકો ઘાયલ હોવાનું હાલ કહેવામાં આવી રહ્યું છે. ઈઝરાયેલની સેનાએ પહેલા હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો અને પછી એમ્બ્યુલન્સ પાસે હુમલો કર્યો હતો. આ સિવાય IDFએ કહ્યું કે હમાસ તેના આતંકવાદીઓ અને હથિયારોને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી રહ્યું છે, તેથી તેને ઓળખીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ હમાસે ઈઝરાયેલ સેનાના આ આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. હમાસ અને અલ-શિફા હોસ્પિટલના અધિકારીઓએ આ વાતને નકારી કાઢી છે કે એમ્બ્યુલન્સનો ઉપયોગ આતંકવાદી લડવૈયાઓ કરે છે. જો કે, ઇઝરાયેલી સૈન્યએ એમ્બ્યુલન્સનો હમાસ લડવૈયાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના કોઈ પુરાવા આપ્યા નથી… ઈઝરાયેલની સેનાએ કહ્યું, અમે વારંવાર કહી રહ્યા છીએ કે આ યુદ્ધ ક્ષેત્ર છે. અહીંના નાગરિકોને પોતાની સુરક્ષા માટે આ વિસ્તાર ખાલી કરીને દક્ષિણ તરફ જવા માટે વારંવાર કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ઈઝરાયેલે ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે સેંકડો ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું કહેવું છે કે તેઓ હમાસ વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખશે. તેમણે કહ્યું કે અમે ગાઝામાં ઈંધણના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. તેમણે ગાઝામાં યુદ્ધવિરામનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. નેતન્યાહુએ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ઈઝરાયેલની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ઈઝરાયેલ ગાઝામાં ઈંધણ અને નાણાં મોકલવાનો વિરોધ કરે છે.






