ઈન્ડો-જર્મન દ્વિપક્ષીય પ્રોજેક્ટ અંતર્ગત ‘રીસ્ટોર,કન્ઝર્વ એન્ડ પ્રોટેક્ટ ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર ફોર એનડીસી ઇમ્પલિમેન્ટેશન ઈન ઇન્ડિયા ‘RECAP4NDC’ના અમલીકરણથી ગુજરાતમાં વન વિસ્તારને પુનઃ જીવિત કરવા,વન વિસ્તાર બહાર આવેલા વૃક્ષોના સંરક્ષણ, જાળવણી અને વૃક્ષોની સંખ્યા વધારવા વધુને વધુ પોત્સાહન મળશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં તેમજ વન અને પર્યાવરણ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના વન વિભાગે રાજ્યમાં વન વિસ્તાર-વન બહારના વૃક્ષોના સંરક્ષણ માટે ઈન્ડો-જર્મન દ્વિપક્ષીય પ્રોજેક્ટ અંતર્ગત આજે હોટલ લીલા, ગાંધીનગર ખાતે ‘રીસ્ટોર,કન્ઝર્વ એન્ડ પ્રોટેક્ટ ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર ફોર એનડીસી ઇમ્પલિમેન્ટેશન ઈન ઇન્ડિયા- RECAP4NDC’ના લોન્ચિંગ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં ભારતમાં સૌપ્રથમ વખત ગુજરાતમાં અલાયદો કલાઈમેન્ટ ચેન્જ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. પંચામૃતના સિદ્ધાંતો પર આપણે પર્યાવરણ ક્ષેત્રે નેટ ઝીરોના લક્ષ્યાંકને હાંસલ કરવા કાર્ય કરી રહ્યા છીએ.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વન વિસ્તાર બહાર શરૂ કરાયેલા સામાજિક વનીકરણ અભિયાન,વન મંડળીઓ, વન મહોત્સવ, સાંસ્કૃતિક વન, સ્વૈછિક સંસ્થાઓના સહયોગ તેમજ કંપનીઓ દ્વારા સી.એસ.આર.ફંડમાંથી વૃક્ષો વાવેતરના પ્રયાસોથી ગુજરાતમાં વન વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં હાલ ૨૨ સાંસ્કૃતિક વનો નિર્માણ કરવામાં આવ્યા છે જયારે ચાલુ વર્ષે ૨૩માં સાંસ્કૃતિક વન તરીકે હરસિદ્ધિ વન તૈયાર કરવામાં આવી રહ્યું છે. દેશમાં મેન્ગ્રુવના જંગલ વિસ્તારમાં પણ પશ્ચિમ બંગાળ બાદ ગુજરાત બીજુ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં કચ્છની સરહદે સિરક્રીક વિસ્તારમાં અંદાજે ૧,૦૦૦ એકરમાં મેન્ગ્રુવના વૃક્ષો ઉછેરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. તેમ,મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વન મંત્રીશ્રીએ કહ્યું હતું કે,ગુજરાત સમગ્ર દેશમાં જૈવ વૈવિધ્યતામાં આગવું સ્થાન ધરાવે છે ત્યારે જી-૨૦ બેઠક અંતર્ગત નક્કી કર્યા મુજબ ‘RECAP4NDC’ના અમલીકરણથી વનો પુનઃજીવિત થવાથી ગ્રીન કવર તેમજ વન્યજીવોમાં વધારો થશે. આ ઉપરાંત ઇકો ટુરીઝમ ક્ષેત્રે સ્થાનિક રોજગારીમાં વધારો થશે તેમ, જણાવી મંત્રીશ્રીએ આ પ્રોજેક્ટ માટે ગુજરાતની પસંદગી થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત સહિત ભારતભરમાં વન સંપદા વિકસાવવા વિશેષ પ્રયાસો કરાશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ૩૩ ટકા વન વિસ્તારનો લક્ષ્યાંક સિદ્ધ કરવા વર્ષ ૨૦૦૩થી વિશેષ પ્રયત્નો હાથ ધર્યા છે. ગુજરાતે સાંસ્કૃતિક વનોની સાથે નમો વડ વન તૈયાર કરવાનો નવો પ્રકલ્પ હાથ ધર્યો છે જે અંતર્ગત ગુજરાતમાં હાલ ૮૨ જેટલા નમો વડ વન નિર્માણ કરવામાં આવ્યા છે. ડાંગ જેવા વિસ્તારમાં સ્થાનિકો તેમજ રાજા દ્વારા જંગલનું જતન-સરંક્ષણ કરવામાં આવે છે જેનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવે છે. રાજ્યમાં નાના પ્રોજેક્ટોમાં પણ ફરજીયાતપણે વૃક્ષો ઉછેરવા બાબતે રાજ્ય સરકાર વિચારી રહી છે. તેમ જણાવી રાજ્ય મંત્રીશ્રીએ રાજ્યમાં વન વિસ્તાર વધારવા સંયુક્ત પ્રયાસો હાથ ધરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
વન વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવકુમારે ‘રીસ્ટોર,કન્ઝર્વ એન્ડ પ્રોટેક્ટ ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર ફોર એનડીસી ઇમ્પલિમેન્ટેશન ઈન ઇન્ડિયા- RECAP4NDC’ના લોન્ચિંગ અંગે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હાલમાં મહારાષ્ટ્ર,ઉતરાખંડ,દિલ્હી-NCRમાં અમલી બનાવવામાં આવ્યો છે જયારે ચોથા રાજ્ય તરીકે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાં વન સંરક્ષણ ક્ષેત્રે કાર્ય કરવા આ પ્રોજેક્ટ આગામી 6 વર્ષ માટે કાર્યરત રહેશે.
ગુજરાતના વન વિભાગના PCCF – HOFF શ્રી એસ. કે .ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર અને જર્મન સરકારના સંયુક્ત ઉપક્રમે આ પ્રોજેક્ટ ગુજરાતમાં અમલી બનવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી ગુજરાતમાં વન વિસ્તાર અને સમગ્ર ઇકોસિસ્ટમ વધુ સમૃદ્ધ બનશે. ગુજરાત પાસે અરવલ્લી, વિદ્યાચલ,સહ્યાદ્રી, ગિરનાર, રણવિસ્તાર અને વિશાળ દરિયાકિનારો આવેલો છે જેથી આ પ્રોજેક્ટના અમલીકરણ ગુજરાતના વન વિસ્તાર અને વન્ય જીવોના સંરક્ષણ અને જતનમાં ખૂબ મોટો ફાયદો થશે.
GIZ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. એલેજાન્ડ્રો વોન બેટ્રૉબે ‘રીસ્ટોર,કન્ઝર્વ એન્ડ પ્રોટેક્ટ ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર ફોર એનડીસી ઇમ્પલિમેન્ટેશન ઈન ઇન્ડિયા- RECAP4NDC’ના અમલીકરણ અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે દિવસ દરમિયાન હોટલ લીલા ખાતે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, GIZ ઈન્ડિયાના વૈજ્ઞાનિકો તેમજ પર્યાવરણવિદોની ઉપસ્થિતમાં વિશેષ ટેકનીકલ પેનલ ડીસ્કશન યોજાયા હતા.






