અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુહામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. કુહામાં આવેલ ગૌચર જમીન પર કોઈ વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવતું હોવાની જાણ થઈ હતી. જેથી ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા. ત્યાં એક જેસીબી અને ત્રણ ડમ્પર દ્વારા માટી ખનનની કામગીરી કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના કારણે ગ્રામજનોએ આ બાબતનો વિરોધ કરતા તે સમયે જેસીબી ચાલકે કાંતિજી બારૈયા નામનાં 52 વર્ષીય આધેડ પર જેસીબી ચડાવી દેતા તેઓનું મોત થયું હતું. જેથી આ બાબતે પોલીસને જાણ થતા કણભા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. જોકે આ ઘટના બાદ સ્થળ પરથી જમીન માફિયાઓ ડમ્પર મુકી ને ફરાર થઈ ગયા હોવાથી પોલીસે ડમ્પર કબ્જે લીધા હતા અને તેઓ ના માલિક અને આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે.






