ગાંધીનગરના વલાદ હાઇવે રોડ પર એક્ટિવા ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. એક્ટિવાની ટક્કરથી રાહદારી શ્રમજીવી યુવાનને શરીરે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતું. જેથી ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લીમ્બડીયા નીકીતા ફાર્મ નર્સરીમાં રહેતા મૂળ ડુંગરપુરનાં વતની દિનેશ ચોખલાભાઇ નીસરતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે નર્સરીમાં મજૂરી કામ કરે છે. તેમજ બાજુમાં આવેલા યોગેશ્વર ફાર્મ નર્સરીમાં તેના મોટા બાપાનો દીકરો રમેશ વજેસીંગ નીસરતા વીસેક વર્ષથી નોકરી કરતો હતો.
સાંજના રમેશ નર્સરીમાંથી નીકળીને હાઇવે રોડ ક્રોસ કરી ચા પીવા જઈ રહ્યો હતો. જ્યાં વલાદ હાઇવે પ્રીતમ હોટલ નજીક એક્ટિવા (જીજે.01.વીએ. 2618) ના ચાલકે પોતાનું એક્ટિવા પૂરપાટ ઝડપે હંકારીને રમેશને ટક્કર મારી હતી. જેનાં કારણે રમેશ ઉછળીને રોડ પર પટકાયો હતો. આ અકસ્માત થતાં રમેશને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી પુષ્કળ લોહી વહી ગયું હતું.
જેથી તેણે ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો. આ બનાવની જાણ થતાં દિનેશ સહિતના લોકો બનાવ સ્થળે દોડી ગયા હતા. 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. જો કે, એમ્બ્યુલન્સમાં ફરજ પરના તબીબે રમેશને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






