દીકરીની અભ્યાસ કરવાની ઉંમરે પરિવારે સમાજના યુવાન સાથે લગ્ન કરવાની તૈયારી શરૂ કરી હતી. પરિવાર લગ્ન કરાવી દેશે તેવા ડરથી કિશોરીએ સાથે જીવવાના અને સાથે મરવાના વચન આપનાર ગામના પ્રેમી યુવાન ઉપર ભરોસો મૂકી ભાગીને વડોદરા આવી પહોંચી હતી. જોકે, પ્રેમી યુવાને અંતિમ ક્ષણ સુધી સાથ આપવાને બદલે વડોદરા એસ.ટી. ડેપો ઉપર મૂકીને ભાગી ગયો હતો. માતા-પિતાની જાણ બહાર પ્રેમીના ભરોસે વડોદરા આવી પહોંચ્યા બાદ મુંઝવણમાં મુકાઇ ગયેલી કિશોરીને અભયમ ટીમે કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપી હતી. અભયમ ટીમ પાસે આવેલો આ કિસ્સો પરિવાર અને પ્રેમમાં પાગલ બનતી યુવતીઓ માટે લાલબત્તી સમાન છે.
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ગામની સગીર મીના (નામ બદલ્યું છે) છેલ્લા બે વર્ષથી ગામના સંજય (નામ બદલ્યું છે)ના પ્રેમમાં હતી. બે વર્ષના પ્રેમના દિવસો દરમિયાન બંનેએ સાથે જીવવાના અને મરવાનું નક્કી કર્યું હતું. આ વચનને લઈને મીના અને સંજયે ભાગીને લગ્ન કરી સાંસારીક જીવન જીવવા માટે નક્કી કર્યું હતું. નક્કી કરેલા દિવસે સંજય અને મીના લગ્ન કરવાના ઇરાદે ભાગીને વડોદરા આવી પહોંચ્યા હતા. જોકે, મીના અને સંજયને ગામનો જ એક વ્યક્તિ જોઈ જતાં બંને ગભરાઈ ગયા હતા. ગામનો વ્યક્તિ જોઈ ગયા બાદ સંજયે પરિવારને છોડીને માત્ર વિશ્વાસ સાથે આવેલી મીનાની સાથે પ્રેમ નિભાવવાને બદલે તેને વડોદરાના એસ.ટી. ડેપો પર નજર ચૂકવીને ભાગી ગયો હતો.
કલાકો સુધી સંજય દેખાઈ ન દેતા મીના મુંઝવણમાં મુકાઇ ગઇ હતી. તેના માટે ઘરે જવું પણ મુશ્કેલ હતું. એસ.ટી. ડેપોમાં સુનમુન બેસી રહેલી મીના ઉપર એક મુસાફરની નજર પડતા તેઓએ 181 અભયમ ટીમને જાણ કરતા ટીમ એસ.ટી. ડેપો ઉપર આવી પહોંચી હતી. દરમિયાન અભયમ ટીમે મીનાને મળી તેની પાસેથી હકીકત મેળવતા મીના એ જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષથી ગામના સંજય સાથે સાથે પ્રેમમાં છે. પણ તેમના મમ્મી-પપ્પા બીજા યુવક સાથે લગ્ન કરાવવા માંગે છે. તેથી તેઓ છોટાઉદેપુરથી બસમાં નીકળી આવ્યા હતા.
તેમાં તેમના ગામના એક ભાઈ જોઈ જતા તેઓ ગભરાઈ અને યુવક ત્યાંથી ભાગી ગયો હતો. તેથી ઘરે પપ્પાના મારથી બચવા માટે ઘરે જવું નથી તેમ જણાવ્યું હતું. અભયમ ટીમે વિગતો મેળવ્યા બાદ મીનાને યોગ્ય માર્ગદર્શન આપતાં અભયમ ટીમે જણાવ્યું હતું કે, આ રીતે પરિવારની જાણ બહાર નીકળી જવુ યોગ્ય નથી. પરિવાર આપના ભવિષ્ય માટે યોગ્ય નિણર્ય લેતા હોય છે. તેમ છતાંય કોઈ સમસ્યા હોય તો પરિવારને રજૂઆત કરવાથી તેનુ નિરાકરણ આવે છે.
દરમિયાન મીનાના પિતાનો અભયમ ટીમે સંપર્ક કરતા તેઓ છોટાઉદેપુરથી તેઓને લેવા માટે વડોદરા આવ્યાં હતા. અભયમ ટીમે તેઓને પણ દિકરીની ઉંમર નાની હોવાથી લગ્નની ઉતાવળના કરવા તેને આગળ અભ્યાસ કરાવવા તથા યોગ્ય ઉંમરે લગ્ન માટે તેની કોઈ પસંદગી હોય તો તેને પણ ઘ્યાનમાં રાખવાં સૂચન કર્યું હતુ. અને મીનાને પણ અભ્યાસમાં ઘ્યાન આપવાં અનુરોધ કર્યો હતો.






