Home દુનિયા દક્ષિણ કોરિયામાં ભારતના રાજદૂત શ્રી અમિત કુમારે વાઇબ્રન્ટ ગુજરાત 2024 માટે પાર્ટનર...

દક્ષિણ કોરિયામાં ભારતના રાજદૂત શ્રી અમિત કુમારે વાઇબ્રન્ટ ગુજરાત 2024 માટે પાર્ટનર કન્ટ્રી તરીકે દક્ષિણ કોરિયા જોડાશે તેવી જાહેરાત કરી

136
0

વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે વાઈબ્રન્ટ ગુજરાત આંતરરાષ્ટ્રીય રોડ શૉના ભાગરૂપે 7 નવેમ્બર, 2023ના રોજ દક્ષિણ કોરિયામાં સિઓલની મુલાકાત લીધી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024 પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, IAS દ્વારા કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રોના વિવિધ પ્રતિનિધિમંડળોની સહભાગિતાએ ગુજરાત અને દક્ષિણ કોરિયા વચ્ચે સહકાર, નવીનતા અને રોકાણના માર્ગો શોધવાની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
રિપબ્લિક ઓફ કોરિયામાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત રોડ શૉએ બંને દેશો વચ્ચે ચર્ચા અને મજબૂત સંબંધો માટે મંચ પૂરો પાડ્યો હતો. મજબૂત વ્યાપારી સંબંધો અને અવારનવાર રાજદ્વારી મુલાકાતો ગુજરાત અને રિપબ્લિક ઓફ કોરિયા વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોને ટકાવી રાખે છે. રિપબ્લિક ઓફ કોરિયા (RoK) સાથે ભારતના સંબંધો ઉચ્ચ સ્તરીય આદાન-પ્રદાન, પરસ્પર સદ્ભાવના અને સહિયારા હિતોના કારણે સાચા અર્થમાં બહુપક્ષીય બન્યા છે.
કોત્રા (KOTRA)ના ડાયરેક્ટર જનરલ, સુશ્રી યુન યંગ યાંગ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરિયામાં ભારતના રાજદૂત શ્રી અમિત કુમારે વિશેષ પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. સત્ર દરમિયાન શ્રી અમિત કુમારે વાઇબ્રન્ટ ગુજરાત 2024 માટે પાર્ટનર કન્ટ્રી તરીકે દક્ષિણ કોરિયાના કન્ફર્મેશનની જાહેરાત કરી હતી, જે દક્ષિણ કોરિયાના રોડ શૉમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હતો. વધુમાં, રોડ શૉ દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત પર ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત સરકારના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, IAS દ્વારા એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં રહેલી ક્ષેત્રીય તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો, સાથે સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેઓએ ગુજરાતમાં સ્થિત ગિફ્ટ સિટિમાં ઉપલબ્ધ તકો વિશે પણ ટૂંકમાં ચર્ચા કરી હતી.
ત્યારબાદ ગુજરાતમાં સફળ કામગીરી અને અનુભવ ધરાવતી કોરિયન એન્ટિટી, કુકડો કેમિકલ્સના ડિરેક્ટર શ્રી સિયાન એસ. એચ. ઓહ દ્વારા ગુજરાત અંગેના તેમના અનુભવો શેર કરવામાં આવ્યા હતા. શ્રી સિયાને એ બાબતની પ્રશંસા કરી કે કેવી રીતે ગુજરાત સરકારે (GIDC) જમીનની ઓળખથી લઈને વ્યાપારી ઉત્પાદન શરૂ કરવા સુધીની તમામ બાબતો માટે સંપૂર્ણ સહયોગ આપ્યો. તેમણે ગુજરાતની રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ નીતિઓ અને સક્રિય વહીવટ પર પણ ભાર મૂક્યો હતો. HOPS હેલ્થકેરના શ્રી વિવેક પટેલ દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. તેમણે ઉભરતા હેલ્થકેર ટેક્નોલોજી ક્ષેત્રે દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચેના સંભવિત સહયોગ અંગે વાત કરી હતી. એલ એન્ડ ટી (L&T) ડિફેન્સના વડા શ્રી સંજીવ મુલગાંવકરે, એલ એન્ડ ટી ડિફેન્સ અને અગ્રણી કોરિયન કંપની હનવાહ વચ્ચેની ભાગીદારીની સફળતા વિશે વાત કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શ્રી વિશ્વેશ વચ્છરાજાની અને શ્રી અનિસ દેસાઈએ ગુજરાતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સફર દર્શાવી હતી.
મહિન્દ્રા કોરિયાના વરિષ્ઠ સલાહકાર અને ICCK ના બોર્ડ મેમ્બર ડૉ. ઇનબોમ ચોઈ અને ટિપ્સન્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જીતેન્દ્ર શાહ દ્વારા કાર્યક્રમમાં સંબોધન કરવામાં આવ્યું હતું. નેશનલ એસેમ્બલીના 20મા સભ્ય, શ્રી સેંગ તાઈ કિમએ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિચારધારા પર આધારિત ‘ફોર ધ પીપલ’ નામના પુસ્તકના તેમના દ્વારા અનુવાદિત સંસ્કરણ અંગે વાત કરી હતી. તેમણે દક્ષિણ કોરિયામાં ભારતના હીઝ એક્સલન્સી એમ્બેસેડર અને ગુજરાત સરકારના અગ્ર સચિવ IAS શ્રી અશ્વિની કુમારને પણ આ પુસ્તકની ભેટ આપી હતી.
આ રોડ શૉ બાદ હનવાહ, સિમ્ટેક, લોટ્ટે ફાઈન કેમિકલ, એલજી એનર્જી, એલએક્સ ઈન્ટરનેશનલ અને સુંગઈલ હાઈટેક સહિત દક્ષિણ કોરિયાના કેટલાક અગ્રણી બિઝનેસ ગ્રુપ સાથે વન-ટુ-વન મીટિંગ કરવામાં આવી હતી. શ્રી અશ્વિની કુમારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે રોકાણકારોને ઔપચારિક આમંત્રણ આપ્યું હતું, જ્યાં આ કંપનીઓએ સમિટમાં હાજરી આપવાનો અને રાજ્ય દ્વારા ઓફર કરવામાં આવતી તકોને વધુ એક્સપ્લોર કરવામાં રૂચિ દર્શાવી હતી.
પ્રતિનિધિમંડળની દક્ષિણ કોરિયાની મુલાકાતમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. આ દરમિયાન દક્ષિણ કોરિયા અને ગુજરાત વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા જોવા મળી હતી. આ મુલાકાતમાં પ્રતિનિધિમંડળને ગુજરાતના ઉષ્માભર્યા આતિથ્ય સત્કાર, વિવિધતા અને પ્રગતિશીલ હેતુઓ દર્શાવવાની તક મળી હતી.
ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત એ દ્વિવાર્ષિક વૈશ્વિક બિઝનેસ સમિટ છે, જે ગુજરાતમાં 10-12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાશે. તે રોકાણની તકો, નવીનતાને પ્રોત્સાહન આપવા અને ભાગીદારી સ્થાપિત કરવા માટે વ્યવસાયો અને સરકારો માટે એક પ્રમુખ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. આ ઈવેન્ટ ગુજરાતની આર્થિક ક્ષમતા અને બિઝનેસ-ફ્રેન્ડલી નીતિઓને પ્રોત્સાહન આપવા માટેની રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here