દિવાળી વેકેશનમાં મોટા પ્રમાણમાં લોકો ફરવા જાય છે. તેમાં પણ રેલવેની મુસાફરી વધુ પસંદ કરતા હોય છે. તેથી દિવાળી વેકેશનના સમયમાં લગભગ તમામ ટ્રેનમાં વેઇટિંગ લાગી ગયું છે. બીજી તરફ હવે છઠનો તહેવાર પણ નજીકમાં છે. ત્યારે મુસાફરોની સુવિધા માટે રેલવે વિભાગે ટ્રેનમાં વધારો કર્યો છે. લોકોએ બે મહિના અગાઉથી જ આયોજન કરીને રેલવે ટિકિટ બુકિંગ કરી લે છે. તેથી હવે છેલ્લા સમયે આયોજન કરનાર લોકોને ટિકિટ નથી મળી રહી. અનેક ટ્રેન એવી છે જેમાં 200થી વધુ વેઇટિંગ પહોંચી ગયું છે. જે સામાન્ય દિવસોમાં 50થી 100ની વચ્ચે જ રહેતું હોય છે. રેલવેના અધિકારીની વાત માનીએ તો દિવાળી અને છઠ તહેવારને લઈને રેલવેમાં મુસાફરોની ભીડ રહેતી હોય છે. કારણ કે, બિહારવાસીઓ માટે છઠનું વિશેષ મહત્વ રહેતું હોય છે. જેને લઈને પટના અને બિહારની ટ્રેનોમાં સૌથી વધુ 300ની આસપાસ વેઇટિંગ ચાલી રહ્યુ છે.આ ઉપરાંત દિલ્હી, મુંબઇ અને કોલકાતા તરફ જતી ટ્રેનો પણ હાઉસફૂલ થઇ ગઇ છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ વધારાની ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહિં જે નિયમિત ટ્રેન છે તેમાં પણ વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય રેલવે તંત્રએ લીધો છે.






