Home દેશ દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ‘વોકલ ફોર લોકલ’

દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ‘વોકલ ફોર લોકલ’

40
0

‘વોકલ ફોર લોકલ’નો સંકલ્પ સાકાર થાય અને દિવ્યાંગજનોનું આર્થિક સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ સાથે ગૃહરાજ્ય મંત્રી અને મજૂરાના ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવીએ અનોખી પહેલ કરી છે. તા.૧૦મીએ ગૃહરાજ્ય મંત્રીશ્રીના સુરત, સિટીલાઈટ સ્થિત કાર્યાલય બહાર દિવ્યાંગ બાળકો દ્વારા માટીમાંથી નિર્મિત દીવડાઓનું વેચાણ કરાશે. આ માટીના દીવડાઓ પર દિવ્યાંગોએ સ્વહસ્તે અવનવું કલાત્મક પેઈન્ટીંગ કર્યું છે. દીવડાઓ પર કલાત્મક ચિત્રણથી તેની સુંદરતા વધતા તે અન્ય દીવડાઓથી અલગ તરી આવે છે. તેમાંથી થયેલી આવક આ દિવ્યાંગ બાળકોને અર્પણ કરાશે.
આ સ્થાનિક દિવ્યાંગ બાળઉદ્યમીઓ દ્વારા બનેલા માટીના દીવડાઓમાં તેમની મહેનતની સાથે આકર્ષક ચિત્રકલાનો પણ સમન્વય જોવા મળશે. ગૃહરાજ્ય મંત્રીશ્રી દ્વારા દિવ્યાંગજનોના પ્રોત્સાહનરૂપ પગલાથી તેમની દિવાળી ઉજાસમય બનશે.
ગૃહરાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,તા.૧૦ નવેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી મારા કાર્યાલય પાસે દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરાયેલ દીવાઓનો સ્ટોલ લાગશે. આ બાળકો દ્વારા ખૂબ મહેનત કરીને બનાવાયેલા આ દીવાઓને ખરીદીને આપણા ઘરને અને એમની દિવાળીને રોશન કરીએ એવી અપીલ કરતા ઉમેર્યું કે, દિવાળી પર દીવાની ખરીદીનો તો મહિમા હોય જ છે પણ અહીં દિવ્યાંગ બાળકો દ્વારા એમની કલા અને પુરુષાર્થથી રંગાયેલા દીવાઓનો મહિમા છે અને એમને પ્રોત્સાહિત કરવાનો એક આપણો માનવીય સદ્દભાવ છે, ત્યારે વધુમાં વધુ દીવાઓ ખરીદીને દિવ્યાંગ બાળકોની મહેનતને સહયોગ આપવા શહેરીજનોને તેમણે અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here