Home રમત-ગમત પાકિસ્તાની કેપ્ટનના ખાનગી મેસેજ ટીવી ચેનલ પર લીક થતા વિવાદ સર્જાયો

પાકિસ્તાની કેપ્ટનના ખાનગી મેસેજ ટીવી ચેનલ પર લીક થતા વિવાદ સર્જાયો

91
0

પાકિસ્તાન ટીમ અને તેના કેપ્ટન બાબર આઝમની મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ જ નહીં લઈ રહી. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની હાલત ખરાબ છે અને ટીમ લગભગ સેમી ફાઈનલમાંથી બહાર થઈ જ ગઈ છે, તો બીજી તરફ પાકિસ્તાની ટીવી ચેનલ પર તેમના કેપ્ટનના ખાનગી મેસેજના વિડીયો લીક થઈ રહ્યા છે. મોટી વાત એ છે કે ટીવી ચેનલ પર બાબર આઝમનો મેસેજ લીક કરનાર ખુદ પીસીબીના અધ્યક્ષ ઝકા અશરફ જ છે.. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડાએ આ વાત રાશિદ લતીફના આરોપોનો જવાબ આપતા કરી હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપરના કહેવા પ્રમાણે, જ્યારે બાબર આઝમે કોલ અને મેસેજ દ્વારા ઝકા અશરફ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેણે જવાબ આપ્યો જ નહીં. ઝકા અશરફે એક સ્થાનિક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રાશિદ લતીફના આરોપોને નકારી કાઢતા તેણે કહ્યું કે બાબરે તેનો સીધો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો જ નથી.. પીસીબીના અધ્યક્ષ ઝકા અશરફે ઇન્ટરવ્યુઅર સાથે વોટ્સએપ મેસેજની લાંબી યાદી પણ શેર કરી હતી, જેમાં બાબર અને પીસીબીના સીઓઓ સલમાન નાસિર વચ્ચેની વાતચીત હતી. અશરફે કહ્યું હતું કે તેણે બાબર સાથે બિલકુલ વાત કરી નથી. બાબરે તેને ફોન કે મેસેજ કર્યો જ નથી. પીસીબીના સીઓઓ સલમાન નાસિર અને બાબરની વાતચીતમાં નાસિરે બાબરને પૂછ્યું કે ટીવી અને સોશિયલ મીડિયામાં એક વાત ચાલી રહી છે કે તમે ઝકા અશરફને ફોન કર્યો હતો, જેનો તેણે જવાબ આપ્યો ન હતો. શું તમે ખરેખર તાજેતરમાં ફોન કર્યો હતો? તેના પર બાબરે જવાબ આપ્યો કે તેણે પીસીબી અધ્યક્ષને આવો કોઈ કોલ કર્યો નથી.. સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અઝહર અલીએ કહ્યું હતું કે બાબરના મેસેજ લીક કરવા અંગે તપાસ થવી જોઈએ કે પીસીબી ચીફે આ અંગે પરવાનગી આપી હતી કે નહીં અને બાબર સાથે આ મામલે વાતચીત થઈ હતી કે નહીં?.. જો કે, શો બાદ એન્કર વસીમ બદામીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી આ અંગે માફી માંગી હતી. તેણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં મેસેજ લીક કરવામાં ખચકાટ અનુભવતા હતા. પરંતુ, પીસીબી ચીફની પરવાનગી બાદ મેસેજ ઓન એર કર્યા હતા. આ એક ખોટો નિર્ણય હતો અને આ ભૂલ માટે માફી માંગીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here