ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 23મો દિવસ છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ ચરમસીમા પર પહોંચી ચૂક્યુ છે. જેમાં હજારો નિર્દોષ લોકોના મોત થયા છે. તેની વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મોટુ નિવેદન આપ્યુ છે. ઈઝરાયેલી વડાપ્રધાને કહ્યું કે ગાઝામાં યુદ્ધ હાલમાં ચાલુ રહેશે. તેલઅવીવમાં મીડિયા સાથે વાતચીત કરતા નેતન્યાહુએ કહ્યું કે ગાઝામાં યુદ્ધનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે, કારણ કે ઈઝરાયેલે ત્યાં હવાઈ હુમલા વધારી દીધા છે અને અમારા સૈનિકોએ હમાસના આતંકીઓનો સફાયો કરવા માટે જમીની સ્તર પર પણ ઓપરેશન ઉગ્ર બનાવ્યું છે. વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે અમે નક્કી કર્યુ છે કે હમાસને પુરી રીતે નષ્ટ કરીને જ રહીશું. યુદ્ધના બીજા તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે તે લાંબો સમય ચાલશે. યુદ્ધમાં અમે મજબૂતીથી ઉભા રહીશું અને પહેલા કરતા વધારે એકજૂટ થઈશું. અમે સાથે મળીને લડીશું અને જીતીશું.. બીજી તરફ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે ગાઝામાં બીજી વખત બંધકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને કહ્યું કે તેમની સરકાર બંધકોને ઘરે પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમને બંધકોના પરિવારના લોકોને વચન પણ આપ્યું કે તે તમામ લોકોને પરત લાવવા દરેક પ્રકારના પ્રયત્ન કરશે. ઉલ્લેખનીય છે કે હમાસે ગાઝામાં 229 લોકોને બંધક બનાવીને રાખ્યા છે. છેલ્લા 23 દિવસથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલમાં હુમલો કર્યો હતો. ત્યારબાદ તેના જવાબમાં ઈઝરાયલે ગાઝામાં ઘણા હવાઈ હુમલા કર્યા. ઈઝરાયેલે ગાઝાને પુરી રીતે તબાહ કરી દીધુ. ગાઝામાં અત્યાર સુધી 7700થી વધારે લોકોના મોત થયા છે. જેમાં 3000 જેટલા બાળકો અને 1500 જેટલી મહિલાઓ સામેલ છે.






