રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૬૯૧.૫૪ સામે ૬૦૭૭૦.૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૫૮૩.૭૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૨.૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮.૮૨ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૬૭૨.૭૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૬૨.૬૫ સામે ૧૭૮૮૩.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૦૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૧.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૮૪૦.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ બાયડેનની એકાએક યુક્રેનની મુલાકાત અને યુક્રેન સહિતના દેશોમાં રશિયા અને ચાઈના સામે પ્રહારરૂપ જાસૂસી બલુનો તોડી પાડવાની ઘટના તેમજ નોર્થ કોરિયા દ્વારા ઈસ્ટ કોસ્ટમાં વધુ બે બેલાસ્ટિક મિસાઈલો છોડવાના કારણે ફરી વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ યુ.એસ. ફેડરલ રિઝર્વની આવતીકાલે બુધવારે મીનિટ્સ પર નજરે વ્યાજ દરમાં વધારો ચાલુ રહેવાના અહેવાલ સાથે વૈશ્વિક મંદીના ફફડાટે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટ સતત ડહોળાયેલું રહ્યું હતું.
સપ્તાહના સતત બીજા દિવસે સાવચેતીએ ફંડોએ ઓફલોડિંગ ચાલુ રાખ્યું હતું. ફંડોની પાવર, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને એફએમસીજી શેરોમાં પસંદગીના લેવાલી સામે રિયલ્ટી, આઈટી, ટેક, ઓઈલ એેન્ડ ગેસ, કમોટિડીઝ, ટેલિકોમ્યુનિકેશન, એનર્જી, કંઝ્યુમર ડ્રિસ્ક્રીશનરી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ,ઓટો, હેલ્થકેર, મેટલ, સર્વિસીસ, બેન્કેક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં બીએસઈ સેન્સેક્સનો આરંભિક સુધારો અંતે ધોવાઈ જઈ ૧૮ પોઈન્ટ ઘટીને તેમજ નિફ્ટી ફ્યુચર ૨૦ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૭૧ લાખ કરોડ વધીને રૂ.૨૬૫.૨૧ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૯૨ અને વધનારની સંખ્યા ૧૪૬૦ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, દેશના અર્થતંત્રના વિવિધ નિર્દેશાંકો જાન્યુઆરી માસમાં નબળા પડયા છે જે આગળ જતા સ્થિતિ વિકટ બનવાના સંકેત આપે છે. ઊંચા બોરોઈંગ ખર્ચને કારણે ઘરઆંગણે તથા વિદેશમાં માગમાં ઘટાડો થઈ રહ્યાનું આર્થિક આંકડા નિર્દશ કરી રહ્યા છે. નિકાસમાં ઘટાડો તથા ઉત્પાદન અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પર અસરથી વેપાર કામકાજ નબળા પડયા છે જેને કારણે ઉપભોગતામાં જોવા મળેલો વધારો ભરપાઈ થઈ ગયો છે. બ્લુમ્બર્ગ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જાન્યુઆરી માસમાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રના પરચેઝિૅગ મેનેજર્સ’ ઈન્ડેકસમાં થયેલા ઘટાડા તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.
દેશની નિકાસ પણ જાન્યુઆરી માસમાં ૬.૫૮% ઘટી હતી, જે વિદેશમાં ભારતના માલસામાનની માંગ નબળી પડયાનું સૂચવે છે. નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટીની ખેંચ વર્તાઈ રહી છે, પરંતુ ધિરાણ ઉપાડમાં ગયા મહિને ફરી વધારો જોવા મળ્યો હતો. ઉત્પાદન તથા ઔદ્યોગિક ક્ષેત્રમાં માગના સંકેત આપતા વીજ વપરાશમાં ગયા મહિને લગભગ સ્થિરતા જોવા મળી હતી. જો કે બેરોજગારીના દરમાં ઘટાડો, વાહનોના વેચાણમાં વૃદ્ધિ તથા જીએસટીની ઊંચી વસૂલી સાનુકૂળ રહ્યા હતા.






