રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૮૪૦.૭૪ સામે ૬૦૮૭૧.૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૭૬૪.૬૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૫૮.૧૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૭.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૧૬૭.૭૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૦૬.૮૫ સામે ૧૮૨૦૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૧૬૪.૭૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૯.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૯.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૨૭૫.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાઈનામાં કોરોના વિસ્ફોટ અને અમેરિકા, યુરોપના દેશોમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા સાથે બરફના તોફાનને પરિણામે પરિસ્થિતિ કથળી રહ્યા છતાં ચાઈનાએ ઝીરો કોવિડ પોલીસી પાછી ખેંચી લીધા બાદ હવે સરહદો પણ આગામી મહિનાથી ખોલી નાખવાના આપેલા સંકેત વચ્ચે આજે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની લેવાલી નોંધાતા આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને પાવર શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સામે મેટલ, ટેલિકોમ્યુનિકેશન, કમોડિટીઝ, સર્વિસીસ અને રિયલ્ટી શેરોમાં ફંડોની ખરીદીએ બીએસઇ સેન્સેક્સ ૩૨૭ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૬૯ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૮ લાખ કરોડ વધીને રૂ.૨૮૩.૮૬ લાખ કરોડ રહ્યું હતું.
કેલેન્ડર વર્ષ ૨૦૨૨નો અંત શેરોમાં પ્રોફિટ બુકિંગે આવ્યો હતો. વર્ષ ૨૦૨૨ સેન્સેક્સ, નિફટી બેઝડ નવી ઊંચાઈના ઈતિહાસ રચનારૂ નીવડયા છતાં રોકાણકારો માટે એકંદર નિરાશાજનક રહ્યું હોવા સાથે નવું કેલેન્ડર વર્ષ ૨૦૨૩ અનેક પડકારોનું રહેવાના અને વર્તમાન લેવલે ભારતીય બજાર, શેરો ઊંચા વેલ્યુએશને મળી રહ્યા હોવાનું અને કરેકશનની શકયતા સાથે મોટાભાગના બ્રોકિંગ હાઉસોએ તેજીને મર્યાદિત અવકાશના અંદાજો રજૂ કર્યા હોવાથી પણ વર્ષ ૨૦૨૨ના અંતે શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે નિરસતા જોવાઈ હતી. આ સાથે વર્ષાંતે હોલીડે મૂડના કારણે ફોરેન ફંડોની ઓછી હાજરી સાથે સતત શેરોમાં વેચવાલીના કારણે પણ રોકાણકારો, લોકલ ફંડો નવી મોટી ખરીદીમાં સાવચેત રહી ઉછાળે ઊંચું વેલ્યુએશન ધરાવતા શેરોમાં વેચવાલ રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૪૭ અને વધનારની સંખ્યા ૧૩૭૮ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, જેના કારણે રોકાણકારોનું ટેન્શન પણ વધ્યું છે. જોકે કોરોનાના વધતા જતા કેસ છતાં વિદેશી રોકાણકારોએ ડિસેમ્બર ૨૦૨૨માં ભારતીય માર્કેટમાં મોટું રોકાણ કર્યું છે. વિદેશી રોકાણકારોએ ડિસેમ્બર માસમાં ભારતીય શેરબજારમાં અંદાજીત રૂ.૧૧,૧૧૯ કરોડનું રોકાણ કર્યું હતું. એટલું જ નહીં નવેમ્બર માસમાં પણ વિદેશી રોકાણકારોએ શેરબજારમાં મસમોટું રોકાણ કર્યું હતું. જોકે હાલના સમયમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો સતર્ક થઈ ગયા છે. ડિપોઝિટરીઝના ડેટા મુજબ FPI દ્વારા નવેમ્બર માસમાં ભારતીય શેરમાર્કેટમાં કરાયેલા રૂ.૩૬,૨૩૯ કરોડના રોકાણની સરખામણીએ ડિસેમ્બર માસમાં રોકાણ ઘણું ઓછું રહ્યું છે. ઈનફ્લો મામલે એફપીઆઈ માટે આ સૌથી ખરાબ વર્ષ હતું. પ્રથમ ત્રણ વર્ષમાં ભારતીય માર્કેટમાં ચોખ્ખું રોકાણ આવ્યું હતું.
FPIએ વર્ષ ૨૦૨૧માં ઇક્વિટી માર્કેટમાં અંદાજીત રૂ.૨૫,૭૫૨ કરોડ, વર્ષ ૨૦૨૦માં અંદાજીત રૂ. ૧.૭ લાખ કરોડ અને વર્ષ ૨૦૧૯માં અંદાજીત રૂ.૧.૦૧ લાખ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. તો વર્ષ ૨૦૧૯માં અંદાજીત રૂ.૩૩,૦૧૪ કરોડનો ઉપાડ નોંધાયો હતો. ઉપરાંત હાલની અનિશ્ચિતતાભર્યા વાતાવરણ વચ્ચે ઘણા રોકાણકારો ભારતીય માર્કેટોમાં નફા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ૨૦૨૨માં ભારતીય ઈક્વિટી માર્કેટમાં અંદાજીત રૂ.૧.૨૧ લાખ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જેનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેંકો, ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા કરાયેલ વૃદ્ધિદરમાં વધારો, ક્રૂડ ઓઈલની અસ્થિર કિંમતો, કોમોડિટીની વધતી કિંમતો તેમજ રશિયા-યુક્રેન સંઘર્ષ હોવાનું કહેવાય છે.






