આઇસીસી વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડ અત્યારે ચાલી રહ્યા છે ત્યારે સોમવારે રમાયેલી વન-ડે ક્રિકેટ મેચમાં ઝિમ્બાબ્વેએ યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાની ટીમ સામે ૩૦૪ રનના વિશાળ માર્જીનથી વિજય હાંસલ કર્યો હતો. વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં રનના માર્જીનથી વિજય હાંસલ કર્યો હોય તેવો આ બીજાે સર્વશ્રેષ્ઠ વિજય હતો. અગાઉ શ્રીલંકા સામે થિરુવનંથપુરમ ખાતે ભારતે ૩૧૭ રનના તફાવતથી મેચ જીતી હતી. હરારે સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં છ વિકેટે ૪૦૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં યુએસએની ટીમ ૨૫.૧ ઓવરમાં ઓલઆઉટ થતાં અગાઉ માત્ર ૧૦૪ રન કરી શકી હતી. ઝિમ્બાબ્વે માટે સોન વિલિયમ્સે ૧૦૧ બોલમાં ૨૧ ચોગ્ગા અને પાંચ સિક્સર સાથે ૧૭૪ રન ફટકાર્યા હતા. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. સિકંદર રઝાએ ૪૮ તથા રાયન બર્લે ૪૭ રન ફટકાર્યા હતા.યુએસએ માટે અભિષેક પરાડકરે સૌથી વધુ ૨૪ રન નોંધાવ્યા હતા. વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ માર્જીનથી મેચના પરિણામ આવ્યા હોય તેમાં આ મેચ બીજા ક્રમે છે.
અંતર ટીમ વિરુદ્ધ વર્ષ
૩૧૭ રન ભારત શ્રીલંકા ૨૦૨૩
૩૦૪ રન ઝિમ્બાબ્વે યુએસએ ૨૦૨૩
૨૯૦ રન ન્યૂઝી. આયર્લેન્ડ ૨૦૦૮
૨૭૫ રન ઓસી. અફઘાન ૨૦૧૫
૨૭૨ દ.આફ્રિકા ઝિમ્બા. ૨૦૧૦






