Home ગુજરાત રાજકોટમાં રિનોવેશન સમયે અચાનક મકાનનું છજુ ધરાશાયી થતા ૩ લોકો દટાયા, 1નું...

રાજકોટમાં રિનોવેશન સમયે અચાનક મકાનનું છજુ ધરાશાયી થતા ૩ લોકો દટાયા, 1નું મોત, ૨ વ્યક્તિને ઇજા પહોંચી

88
0

રાજકોટના લક્ષ્મીવાડીમાં નિખિલભાઈ ટાંકના મકાનનું રિનોવેશન ચાલી રહ્યું છે. જોકે રિનોવેશન દરમિયાન મકાનનું છજુ ધરાશાયી થતા ત્રણ લોકો કાટમાળમાં દટાયા હતા. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને દટાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. પરંતુ આ ઘટનામાં કડિયાકામ કરતા શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા શ્રમિક પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. જ્યારે બે વ્યક્તિને બહાર કઢાતા તેમને ઇજા પહોંચી હોય બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાપ્ત વિગત મુજબ લક્ષ્મીવાડી 21માં નિખિલભાઈ ટાંકનું ઘર આવેલું છે. આ ઘરના રિનોવેશનનું કામ મૂળ મધ્યપ્રદેશના બબલુભાઈ મોહનિયા અને તેમનો પરિવાર કરી રહ્યો હતો. પરંતુ ઉપરના માળનું છજુ અચાનક ધરાશાયી થયું હતું. આથી નીચે કામ કરી રહેલા બબલુભાઈ, મકાન માલિક નિખીલભાઈ અને અન્ય એક વ્યક્તિ કાટમાળ હેઠળ આવી ગયા હતા.

જોકે ફાયર વિભાગે નિખીલભાઈ અને અન્ય વ્યક્તિનો બચાવ કર્યો હતો. જ્યારે બબલુભાઈનો મૃતદેહ હાથ લાગ્યો હતો. બાદમાં 108 મારફત ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાને પગલે આસપાસમાં રહેતા લોકોના ટોળા ઊમટી પડ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે જ્યારે મકાનનું છજુ ધરાશાયી થયું ત્યારે ભૂકંપ જેવો અવાજ આવ્યો હતો. આથી અમે લોકો બહાર દોડી આવ્યા હતા. બાદમાં જાણવા મળ્યું કે મકાનનું છજુ પડ્યું છે. જેમાં ત્રણ લોકો દટાયાનું જાણવા મળ્યું હતું. કોઈએ ફાયરબ્રિગેડને જામ કરતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને બચાવકાર્ય હાથ ધર્યું હતું.

જોકે, બબલુભાઈનું મોત થતા શ્રમિક પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મકાનનું છજુ કેવી રીતે ધરાશાયી થયું તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છજુ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. લોકોમાં હાલ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉતરાયણના તહેવાર હતો અને શ્રમિક પરિવારે તહેવાર ઉજવ્યો હતો. પરંતુ આજે એક સભ્યના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

ફાયર ઓફિસર આઈ.વી. ખેરે જણાવ્યું હતું કે, અમને લક્ષ્મીવાડી 21માંથી કોલ આવ્યો હતો કે, છત ભરાય છે તે છત ધરાશાયી થઈ છે અને તેમાં ત્રણ લોકો દટાયા છે. તાત્કાલિક ફાયરની ટીમ એમ્બ્યુલન્સ સાથે પહોંચો. આથી અમારી ટીમ પહોંચીને બચાવકાર્ય હાથ ધર્યું હતું.

જેમાં બે વ્યક્તિને બચાવી લીધા હતા અને તેમને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડ્યા છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here