હરિયાણા,
શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યના પ્રખર હિમાયતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને ત્રીજી વખત ‘ડૉક્ટર’ની ઉપાધિ મળી છે. ૩૫ વર્ષ સુધી ગુરુકુળ, કુરુક્ષેત્ર, હરિયાણાના પ્રધાન આચાર્ય તરીકે શિક્ષણ ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર શ્રી આચાર્ય દેવવ્રતજી અભ્યાસમાં ‘ડૉક્ટર ઑફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ’ની ડિગ્રી ધરાવે છે. ઓગસ્ટ-૨૦૨૩માં હરિયાણાની સૌથી પ્રતિષ્ઠિત અને પ્રાચીન યુનિવર્સિટી-કુરુક્ષેત્ર યુનિવર્સિટીએ તેમને પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક અને યોગિક ચિકિત્સા, સામાજિક સમરસતા અને દેશ સેવામાં અનન્ય યોગદાન બદલ ‘ડૉક્ટર ઑફ લિટરેચર’ (D. Litt.) ની માનદ્ ઉપાધિથી સન્માનિત કર્યા હતા.અને પંજાબના જલંધરની ડીએવી યુનિવર્સિટીએ તેમનું ‘ડૉક્ટર ઑફ ફિલોસૉફી’ ( Ph.D.) ની માનદ્ ડિગ્રીથી સન્માન કર્યું છે.






