આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીએ સોમવારે રેકોર્ડ આઠમીવાર વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીનો બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો હતો. મેસ્સીએ નોર્વેના યુઇએફએ પ્લેયર ઓફ ધ યર અને માન્ચેસ્ટર સિટીના ત્રેવડી વિજેતા એર્લિંગ હેલેન્ડને હરાવીને પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવ્યો હતો. ઈન્ટર મિયામીના મેસ્સીએ છેલ્લે 2021 માં એવોર્ડ જીત્યો હતો. મેસ્સીની કપ્તાનીમાં વર્ષ 2022 માં કતારમાં યોજાયેલ વર્લ્ડ કપમાં ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને હરાવી આર્જેન્ટિનાએ 36 વર્ષ બાદ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું, જેમાં મેસ્સીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. 36 વર્ષીય મેસ્સી સૌથી વધુ વાર રેકોર્ડ આઠમીવાર આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો છે. તેના પછી પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, જેણે પાંચ વાર આ એવોર્ડ જીત્યો છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 2017માં છેલ્લીવાર આ ટ્રોફી જીતી હતી. મેસ્સી 14 વાર રનર્સ અપ પણ રહ્યો હતો.. લિયોનેલ મેસ્સીએ બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યા બાદ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે. ” મારી કારકિર્દીમાં મેં જે પણ પ્રાપ્ત કર્યું છે, તેની હું કલ્પના પણ કરી શકતો નથી. ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ટીમ માટે મને રમવાનું સૌભાગ્ય મળ્યું છે. આર્જેન્ટિના તરફથી રમતા કોપા અમેરિકા અને પછી વર્લ્ડ કપ જીતવું, મારા ખાઉબ જ ખાસ ક્ષણ હતી. બેલોન ડી’ઓર એવોર્ડ્સ ખાસ છે.” મેસ્સીએ 2009માં તેનો પ્રથમ બેલોન ડી’ઓર એવોર્ડ જીત્યો હતો અને 2012 સુધી સતત ચાર વાર આ એવોર્ડ જીત્યો હતો. તે ઓગસ્ટમાં UEFA એવોર્ડ્સમાં હાલેન્ડ બાદ બીજા ક્રમે રહ્યો હતો. ક્લબ ફૂટબોલ અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ બંનેમાં લિયોનેલ મેસ્સીએ અનેક એવોર્ડ અને રેકોર્ડ બનાવ્યા છે. તેની કારકિર્દીમાં માત્ર વર્લ્ડ કપની કમી હતી જે પણ ગત વર્ષે તેની ટીમે જીત્યો હતો. મેસ્સી 100 આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર ઇતિહાસનો માત્ર ત્રીજો ખેલાડી પણ છે.






