વડોદરા શહેરમાં પરિણીતા પર પતિ અને સાસરિયાંએ ત્રાસ ગુજાર્યાના બે બનાવ નોંધાયા છે. જેમાં ખોડિયારનગર વિસ્તારની પરિણીતાને પતિએ પાંચ લાખનું દહેજ માંગ્યું હોવાની તેમજ બાપોદમાં લગ્નના પાંચ વર્ષમાં સંતાન ન થતાં પત્નીને તરછોડી હોવાની ફરિયાદ નોંધાઇ છે. વડોદરા શહેરના ખોડિયાનગર વિસ્તારની યુવતીના લગ્ન મૂળ ભરૂચના અને હાલ બાજવાડામાં રહેતા નિલેષ નગીનભાઇ બખતરવાળા સાથે વર્ષ 2013માં થયા હતા. લગ્નના સાત-આઠ મહિના બાદ સાસરિયાંએ દહેજની માંગણી કરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2014માં પુત્રનો જન્મ થતાં સાસુ-સસરા તેને પુત્ર સાથે રહેવા દેતા ન હતા.
તેમજ અવારનવાર ઘરકામ માટે મ્હેણા મારતા હતા અને પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી પરિણીતાએ વર્ષ 2016માં ભરૂચ કોર્ટમાં ભરણપોષણ અંગે અને ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો. જ્યાર બાદ તેમાં સમાધાન કરી પતિ પરિણીતાને પરત લઇ ગયો હતો. જ્યાર બાદ વર્ષ 2021માં વડોદરા ખાતે રહેવા દરમિયાન પરિણીતાને પિતા નિવૃત્ત થતા પતિએ પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઇ આવવા દબાણ કર્યું હતું અને ઝઘડો કર્યો હતો.
તેમજ પરિણીતા અને દિકારાને મુકી પતિ એપ્રિલ 2022થી ઘર છોડી તેના માતા-પિતાને ત્યાં જતો રહ્યો હતો અને પરત આવ્યો નથી. તેમજ ભરણપોષણ માટે પણ રૂપિયા આપતો નથી. જેથી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન ફેબ્રુઆરી 2018માં દિપકભાઇ સોલંકી (રહે. શિવશક્તિ ચોક, ઝવેરનગર પાસે, કિશનવાડી) સાથે થયા હતા.
લગ્નના પાંચ વર્ષ બાદ સંતાન ન થતાં સાસુ આ બાબતે મ્હેણા ટોણા માર્યા કરતા હતા. તેમજ પતિએ નોકરી જવા પત્નીને પિયરમાંથી બાઇક ખરીદવા રૂપિયાની માંગણી કરી હતી. તેમજ જો રૂપિયા નહીં આપે તો ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી પતિએ મારઝૂડ પણ કરી હતી. જેથી પરિણીતાએ પતિ સહિત સાસરિયાં સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં દહેજ, મારઝૂડ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.






