શહેરના બાપોદ વિસ્તારમાં એક શખ્સે દારૂ પી પોલીસ કંટ્રોલમાં ફોન કરી ફરિયાદ કરી કે તે નશામાં હોવાથી તેની પત્ની તેને જમવાનું નથી આપી. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, પોલીસ કંટ્રોલ રૂમમાં વિશાલ કૌશિકભાઇ રાજપૂતે ફોન કરી કહ્યું હતું કે તે પોતે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રાજરત્નની પોળમાં રહે છે અને પોતે દારૂ પીધેલો છે. તેની પત્ની જમવાનું આપતી નથી અને ઝઘડો કરે છે.
જેથી કંટ્રોલ રૂમ દ્વારા આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનના સ્ટાફને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે દારૂના નશામાં વિશાલ રાજપૂત મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે બાપોદ વિસ્તારમાં દારૂ પી પતિ ધમાલ કરતો હોવા અંગેની છાશવારે પોલીસ કંટ્રોલમાં ફરિયાદ આવતી રહે છે.
બાપોદ પોલીસે બાતમીના આધારે ભાથુજીનગરની પાર્વતીનગરની ગલીમાં ટુ વ્હિલર ચાલક ભાવેશ અરવિંદભાઇ વસાવા (રહે. સતાધાર સોસાયટી, બાપોદ જકાતનાકા, વડોદરા)ને દારૂની 25 બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે ભાવેશ વસાવાની દારૂ અને વાહન સહિત કુલ 40 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.






