ઓસ્ટ્રેલિયા સામેની 4 ટેસ્ટની સિરીઝ પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો નવો મોબાઈલ ખોવાઈ ગયો હતો. તે પણ મોબાઈલનું અનબોક્સિંગ કરતાં પહેલાં. વિરાટે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફેન્સને પૂછ્યું, ‘કોઈએ મારો નવો ફોન જોયો છે?’ તેના પર ફેન્સે ઘણી ફની કમેન્ટ્સ કરી હતી.વિરાટ કોહલીએ મંગળવારે સવારે લગભગ 10:30 વાગે એક ટ્વીટ કર્યું હતું. એમાં લખ્યું હતું કે ‘નવો ફોન ગુમાવવાનું દુઃખ અલગ છે. એ પણ ત્યારે જ્યારે તમે તેને અનબોક્સ પણ ન કર્યો હોય. કોઈએ ફોન જોયો છે?’ વિરાટના આટલા ટ્વીટમાં જ ફૂડ ડિલિવરી એપ Zomatoથી લઈને ફેન્સે ફની કમેન્ટ્સ કરી છે.ફૂડ ડિલિવરી એપ Zomatoએ વિરાટના ટ્વીટનો જવાબ આપ્યો. Zomatoએ લખ્યું, ‘જો તમને યોગ્ય લાગે, તો ભાભી (અનુષ્કા શર્મા)ના ફોન પરથી આઈસસ્ક્રીમ ઓર્ડર કરી દો.’ એ જ સમયે એક ફેને લખ્યું-શાનદાર. હવે તમારી 75મી ઈન્ટરનેશનલ સદી જોવી છે.મોબાઈલ સ્માર્ટફોન બ્રાન્ડ નથિંગે લખ્યું હતું કે ‘અમને મેસેજ કરો, અમારી પાસે તમારા માટે નવો ફોન છે.’ ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે કોહલીએ આ ટ્વીટ નવી જાહેરાત માટે કરી છે, જે એક મોબાઈલ ફોન કંપની સાથે સંકળાયેલો છે.વિરાટ કોહલી પુમા સહિત ઘણી કંપનીઓના બ્રાન્ડ-એમ્બેસેડર છે. તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર તેમના જેવી દેખાતી વ્યક્તિનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વિરાટે લખ્યું, ‘મારો ડુપ્લિકેટ પુમા કંપનીના શૂઝ વેચી રહ્યો છે. યુઝર્સે આવી છેતરપિંડીથી બચવું જોઈએ. પાછળથી જાણવા મળ્યું કે આ પોસ્ટ પણ Puma Indiaની જાહેરાતનો એક ભાગ હતી.વિરાટ કોહલી 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમશે. ઓસ્ટ્રેલિયાની ટીમ લગભગ 6 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ સિરીઝ રમવા આવી છે. છેલ્લી સિરીઝની 3 મેચમાં વિરાટ માત્ર 46 રન જ બનાવી શક્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની કુલ 20 ટેસ્ટ મેચમાં વિરાટના નામે 1700થી વધુ રન છે. આ મેચમાં તેણે 7 સદી પણ ફટકારી છે.






