Home દેશ સિંગુર જમીન વિવાદને કારણે પશ્ચિમ બંગાળ સરકારે ટાટા મોટર્સને 766 કરોડ ચૂકવવા...

સિંગુર જમીન વિવાદને કારણે પશ્ચિમ બંગાળ સરકારે ટાટા મોટર્સને 766 કરોડ ચૂકવવા પડશે

41
0

દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની, ટાટા મોટર્સે આજે સોમવારે જણાવ્યું હતું કે, તેના પશ્ચિમ બંગાળના સિંગુર પ્લાન્ટમાં થયેલા આર્થિક નુકસાનને ભરપાઈ કરવા માટે કંપનીને રૂ. 766 કરોડનું વળતર મળશે. આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે સોમવારે પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમને આ વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. પશ્ચિમ બંગાળના સિંગુરમાં સર્જાયેલા જમીન વિવાદને કારણે, ટાટા મોટર્સને ઓક્ટોબર 2008માં પશ્ચિમ બંગાળના સિંગુરથી ગુજરાતના સાણંદમાં તેનો મહત્વાકાંક્ષી કારનો પ્લાન્ટ ખસેડવો પડ્યો હતો. તે સમયે ટાટા મોટર્સે સિંગુરમાં રૂ. 1,000 કરોડથી વધુનું મૂડીરોકાણ કર્યું હતું. સિંગુરમાં સ્થપાનારા પ્લાન્ટમાં ટાટાની સૌથી નાની કાર નેનોનું ઉત્પાદન કરવાનું હતું.. ટાટા મોટર્સે, સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ત્રણ સભ્યોની આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ મુજબ, કંપની પ્રતિવાદી પશ્ચિમ બંગાળ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ પાસેથી 11 ટકા વાર્ષિક વ્યાજ સાથે રૂ. 765.78 કરોડની રકમ વસૂલવા માટે હકદાર છે. આ રકમ 1 સપ્ટેમ્બર, 2016 થી વળતરની ચુકવણી કર્યા સુધીની તારીખ સુધી વ્યાજની ગણતરી કરવામાં આવશે. ટાટા મોટર્સે સિંગુર પ્લાન્ટ બંધ થવાને કારણે થયેલા નુકસાન માટે WBIDC પાસેથી આર્થિક વળતરની માંગણી કરી હતી. જેમાં મૂડી રોકાણ પર નુકસાન સહિત કંપની દ્વારા પ્રોજેક્ટને લગતી અન્ય વસ્તુઓ ઉપર દાવો કરવામાં આવ્યો હતો.. ટાટા મોટર્સે કંપનીએ જણાવ્યું હતું કે, “ત્રણ સભ્યોની આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે, આજે 30 ઓક્ટોબર, 2023 ના રોજ સર્વસંમતિથી આપેલા એવોર્ડમાં, ટાટા મોટર્સની તરફેણમાં મામલો પતાવ્યો છે.” કંપનીએ એમ પણ કહ્યું કે આ નિર્ણય હેઠળ, ટાટા મોટર્સ કાયદાકીય કાર્યવાહીમાં થયેલા ખર્ચ માટે WBIDC પાસેથી રૂ. 1 કરોડ મેળવવા માટે પણ હકદાર છે. ટાટા મોટર્સે જૂન 2010 માં સિંગુર પ્રોજેક્ટ બંધ થયા પછી તેની સૌથી નાની કાર નેનો બનાવવા માટે ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના સાણંદમાં એક નવો પ્લાન્ટ શરૂ કર્યો. જોકે, કંપનીએ થોડા વર્ષો પહેલા નેનો કારનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. અમદાવાદ નજીકના સાણંદ સ્થિત નેનો કાર માટેના પ્લાન્ટનું ઉદઘાટન ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here