Home દેશ સુરતમાં એકની એક દીકરીના લગ્નની તૈયારી વચ્ચે પિતાનો આપઘાત, મજબૂર પિતા રૂપિયા...

સુરતમાં એકની એક દીકરીના લગ્નની તૈયારી વચ્ચે પિતાનો આપઘાત, મજબૂર પિતા રૂપિયા ક્યાંથી લાવે તે ચિંતા તેમને સતાવતી હતી

64
0

સુરતમાં હજી ચાર દિવસ જ પહેલા આર્થિક સંકડામણમાં આવી ગયેલા એક પરિવારના સાત લોકોએ સામુહિક આપઘાત કર્યો હતો. તે વાત હજી તાજી છે, ત્યાં એક લાચાર પિતાએ જીવન ટૂંકાવ્યું છે. ઘરમાં દીકરીના લગ્નનો પ્રસંગ હોય, દરવાજે તોરણ બંધાયા હોય, અને છેલ્લી ઘડીએ કંકોત્રીઓ વહેંચાતી હોય તેમાં સુરતમાં પુત્રીના લગ્નના 15 દિવસ પહેલા પિતાએ આપઘાત કર્યો છે. 35 વર્ષીય શખ્સે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. એકની એક દીકરીના લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. પિતાના આપઘાતના પગલે આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મહારાષ્ટ્ર અને ઉમરવાડા વિસ્તારમાં આવેલા ગાંધીનગર ખાતે 35 વર્ષીય અનીશ શેખ પરિવાર સાથે રહેતો હતો. અનીશના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક દીકરી છે. અનીશ કેટરેર્સમાં રસોઈ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મોટી દીકરીના 15 દિવસ બાદ લગ્ન હોવાથી તેના લગ્નની તૈયારીઓ ચાલતી હતી. અનીશ એકની એક દીકરીના લગ્નને લઈને ખુશ હતો. થોડા દિવસો પહેલા જ પરિવાર પાસે રૂપિયા માગી લગ્નની તૈયારીઓ કરી હતી. આ દરમિયાન અનીશે પરિવાર પાસે વધુ રૂપિયા માંગ્યા હતા. જોકે પરિવારજનોએ રૂપિયા આપવાની મનાઈ કરી હતી. જેથી અનીશ હતાશ થઈ ગયો હતો. લગ્ન ટાંણે જ રૂપિયા ન હોવાથી અનીશ ભાંગી પડ્યા હતા. મજબૂર પિતા રૂપિયા ક્યાંથી લાવે તે ચિંતા તેમને સતાવતી હતી. આથી હતાશ થયેલા અનિશે રાત્રે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરિવારને જાણ થતાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે અનિશને મૃત જાહેર કર્યો હતો. આમ, એકની એક દીકરીના લગ્નની તૈયારી વચ્ચે પિતાના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. હાલ તો પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here