આઈસીસી ટી20 વિશ્વકપ 2022માં બીજી સેમીફાઈનલમાં 10 નવેમ્બરે ભારત અને ઈંગ્લેન્ડની ટક્કર થવાની છે. ખરાબ શરૂઆત પછી પાકિસ્તાન ક્રિકેટ ટીમ પણ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. તેને ટૂર્નામેન્ટમાં પ્રથમ સેમીફાઇનલમાં નવ નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમવાની છે. ભારત અને પાકિસ્તાનની ટીમ 15 વર્ષ પછી એકસાથે ટી20 વિશ્વકપની સેમીફાઈનલમાં પહોંચી છે. આનાથી પહેલા બંને 2007માં એકસાથે સેમીફાઈનલમાં પહોંચી હતી. ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડકપના ઈતિહાસમાં ચોથી વખત સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે.
ટીમ ઇન્ડિયાએ 2007માં ટૂર્નામેન્ટના ઉદ્ધાટન સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ખિતાબ પણ જીત્યો હતો. તે પછી તે અત્યાર સુધી માત્ર એક વખત જ ફાઈનલમાં પહોંચી શકી છે. જ્યારે પાકિસ્તાનની ટીમ છઠ્ઠી વખત ટી20 વિશ્વકપની સેમીફાઈનલમાં પહોંચી છે. તે સૌથી વધારે વખત સેમીફાઈનલ માટે ક્વોલિફાઇ કરનારી ટીમ છે. જોકે, ભારતની જેમ તે પણ માત્ર એક વખત (2009)જ ચેમ્પિયન બની શકી છે.
કહેવું ખોટું ગણાશે નહીં કે ટીમ ઇન્ડિયા માટે 2007 ટી20 વિશ્વકપમાં જેવા સંયોગ બન્યા હતા, તેવા જ 15 વર્ષ પછી હવે બનતા દેખાઈ રહ્યાં છે. વર્ષ 2007માં પણ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ સેમીફાઈનલ રમાઇ હતી. પાકિસ્તાને તે મેચ 6 વિકેટથી જીતી લીધી હતી. ટી-20 વર્લ્ડકપ 2007ની બીજી સેમીફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ટકરાઇ હતી. ત્યારે ટીમ ઈન્ડિયાએ 15 રને મેચ જીતી લીધી હતી. એવામાં હવે રોહિત શર્મા પાસે મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરવાની તક છે.






