હવે જનતા જ પોલીસ બની જનતા રેડ પાડી દારૂની બદીને દૂર કરવાના પ્રયાસો કરી રહી છે. આવી જ એક ઘટના રાજકોટના નિર્મલા રોડ નજીક તિરૂપતિનગર સોસાયટીમાં બની છે. પાડોશમાં રહેતી મહિલાઓએ દારૂની પાર્ટી કરતા શખ્સોને તેમના ઘરમાં જ તાળુ મારી પૂરી દીધા હતા. બાદમાં પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસની ટીમ દોડી આવી હતી. 8થી વધુ શખ્સ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જો કે પોલીસ આવતા જ 3થી 4 શખ્સ ભાગી ગયાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. 8 મહિનાથી આ શખ્સો દારૂ પીને ખેલ કરી એરગનમાંથી ફાયરિંગ કરતા હોવાનો સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે. પોલીસે 3 શખ્સની ધરપકડ કરી રિક્ષામાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ શખ્સો સોસાયટીમાં અવારનવાર દારૂ પીવા આવતા હતા.
સોસાયટીની મહિલાઓ આજે આકરા પાણીએ થઈ હતી. દારૂની પાર્ટી કરતા શખ્સોને તેના જ ઘરમાં પૂરી બહારથી મહિલાઓએ તાળુ મારી દીધું હતું. બાદમાં પોલીસને જાણ કરાતા ગાંધીગ્રામ પોલીસ દોડી આવી હતી. પોલીસે દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મકાન માલિકે જણાવ્યું હતું કે, બહેનોને તકલીફ પડતી હતી એટલે હવે અમે આવું નહીં કરીએ. મિત્રો આવતા હતા તેને હવે આવવા નહીં દઉં. વીડિયોમાં સ્થાનિક મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રીતસરની બધા બોટલો લઈને આવે છે. કાળા ઝબલામાં બોટલો લઈને આવે છે. પછી બધા દારૂ પીને રાતના 2 વાગ્યે મોટા અવાજે સ્પીકર વગાડે છે.
મકાન માલિક કશ્યપભાઈ ઠાકોર છે. અમે ત્રાસી ગયા છીએ ભાઈ. દારૂ પીને કપડા પહેરવાનું પણ ભાન રહેતું નથી અને નગ્ન થઈને નીકળતા હોય છે. તેમજ અપશબ્દો પણ બોલતા હોય છે. આઠ મહિનાથી સતત આ ત્રાસ છે. અમે અવારનવાર પોલીસને જાણ કરી છે. કશ્યપભાઈ પર ચાર કેસ ચાલુ છે. પોલીસ આવીને પકડી જાય અને બીજા દિવસે છૂટી જાય છે. અમારી એક જ માગ છે કે આ ઘર બંધ થવું જોઈએ. એક મહિલાએ વીડિયોમાં બોલી રહી છે કે, કાકા જેટલી બોટલો છે તે કાઢો. તો દારૂ પીનાર શખ્સ કહે છે કે, હવે કાંઈ નથી. તો અન્ય એક મહિલા કહે છે કે, જે બોટલો સંતાડી દીધી છે એ કાઢ. હમણા બોટલો લઈ આવ્યા હતા તે કાઢો. બોટલો કાઢો નહીંતર લાકડી દેવા માંડીશ.
હથિયારો પણ કાઢો હાલો. બધું બતાવજો ઘરમાં હોય એ બધું, નહીંતર પોલીસની સામે જ મારીશું. ત્યારે પોલીસ કહે છે કે મારતા નહીં. આથી મહિલા કહે છે કે ના અમે મારીને કાયદો હાથ લઈશું નહીં. અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, પહેલા કશ્યપભાઈને પોતાના પરિવાર સાથે જ ઝઘડો થતો હતો. તેઓ તેની પત્ની, દીકરી-દીકરાઓઓને મારતા ત્યારે અમે બચાવવા જતા હતા. જ્યારથી તેની પત્ની અવસાન પામ્યા છે ત્યારથી તેણે દારૂડિયાઓને ભેગા કરીને દારૂની પાર્ટી કરવાનું શરૂ કર્યું છે. આખા દિવસમાં 15થી 20 શખ્સો તેમના ઘરે આવ-જા કર્યા રાખે છે.
બધા ખરાબ લોકો જ આવે છે એટલે અમારે બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. અમારી સામે ખરાબ નજરે જોતા હોય છે. ખરાબમાં ખરાબ ગાળો ભાંડે છે. પોતાના કપડાની પણ ભાન રહેતી નથી. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, રાતે પાર્ટી કરી ખોટેખોટા એરગનમાંથી ફાયરિંગ કરે છે. અમને ડરાવવા માટે આવું કરે છે. પોલીસ પણ થાકી ગઈ છે. પોલીસ કહે છે કે, અમે કેટલીવાર પકડી જઈએ.
દારૂના કેસમાં મોટો ગુનો લાગુ પડતો નથી એટલે તે પણ થોડા દિવસમાં છોડી દે છે. પોલીસ અમને પૂરેપૂરી મદદ કરવામાં આવે છે. દારૂ આ લોકો ક્યાંથી લઈ આવે છે એ ખબર નથી. ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ ક્યાંથી આવે છે એ ખબર પડતી નથી. ડ્રગ્સ પણ લઈ આવતા હોવાનું જાણવા મળ્યું છે.






