નવસારી જિલ્લા માટે વર્ષનો છેલ્લો દિવસ કાળમુખો સાબિત થયો છે. સવારે વલસાડથી અંકલેશ્વર જતા ફોર્ચુનર કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માત થયા બાદ ફરીવાર બપોર બાદ ચીખલીના આલીપોર ગામે આવેલી કવોરીમાં ભેખડ ધસી પડતા ત્રણ મજૂરો દબાયા હતા. જે પૈકી બેના મોત તથા એકને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયો છે. ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા તેઓ કવોરી દોડી ગયા હતા. આ ઘટનામાં બે શ્રમિક ભીખુભાઈ રમેશભાઈ નાયકા (રહે., પીર ફળિયું, આલીપોર) તથા નિતેશ ભગુ નાયકા (રહે., આલીપોર)નાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં.
તો અન્ય એક કામદાર મહેશ છના નાયકા (રહે., આલીપોર)ને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ચીખલીથી વાંસદા જતા રોડ પર અનેક કવોરી કાર્યરત છે, જેમાં મજૂરો કામ કરે છે જે દરમિયાન કવોરીમાં કામ કરી રહેલા મજૂરો પર એકાએક પથ્થરની ભેખડ પડતા બેના ઘટનાસ્થળે મોત થયા હતા. મહાકાય પથ્થરોથી બનેલી ભેખડ મજૂરો પર પડતા તેમના પ્રાણ પંખેરું ઘટના સ્થળે ઉડી ગયા હતા.
તો બીજી તરફ એક મજૂર દબાવવાથી તેને ઇર્જ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ચીખલીના આલીપોર ગામે આવેલી શિવમ કવોરીની ખાણમાં કામ કરતી વેળા આ સમગ્ર ઘટના ઘટી હતી. મજૂરોને કવોરીમા કેટલી સુરક્ષા આપવામાં આવે છે તેને લઈને પણ ચકાસણી કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવી શકે તેમ છે સામાન્ય રીતે કન્સ્ટ્રક્શન કે આવા કવોરી ઉદ્યોગમાં મજૂરોને સેફટી અંગે કોઈ જ નિયમો અમલી થતા નથી. ત્યારે આ કેસમાં પણ મજૂરીની સેફ્ટી અંગે શું કાળજી લેવામાં આવી હતી કે કેમ તે પોલીસ તપાસમાં બહાર આવશે.






