સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના ૫૭ મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પદવી મેળવનાર યુવાનોને સંબોધતાં કહ્યું કે, આજથી તમે હવે એક જવાબદાર નાગરિક બન્યા છો. શિક્ષણ વ્યક્તિને જવાબદાર નાગરિક બનાવે છે. તમને શિક્ષિત બનાવનાર ગુરુજનો અને માતા-પિતા પ્રતિ હંમેશા ઋણી રહેજો. હંમેશા સન્માન-આદરભાવ રાખજો. આજે દીક્ષાંત છે, શિક્ષાંત નથી; એમ કહીને રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, અભ્યાસ દરમિયાન જે પણ જ્ઞાન મળ્યું છે તેનો રાષ્ટ્ર કલ્યાણમાં-સમાજના હિતમાં ઉપયોગ કરજો.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભુટા બારોટ હૉલ ખાતે શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૭મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ તકે શ્રી આચાર્ય દેવવ્રતજીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગૌ-કૃષિ વિદ્યા કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો, એ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની ગઈ છે કે, જ્યાં એકી સાથેકૃષિ અને પશુપાલન બન્નેનો અભ્યાસ થઈ શકે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજભવન, ગાંધીનગરથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૌ-કૃષિ વિદ્યા કેન્દ્રનો રીમોટ કંટ્રોલથી શુભારંભ કરાવ્યો હતો. કૃષિ અને પશુપાલનનો સંયુક્ત અભ્યાસક્રમ ધરાવતી આ પ્રકારની ગુજરાતની આ સૌ પ્રથમ યુનિવર્સિટી છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગૌ-કૃષિ વિદ્યાકેન્દ્ર એ ગુજરાતની નવી પહેલ છે. જેનો અભ્યાસક્રમ પણ તૈયાર થઈ ગયો છે. કૃષિ અને પશુપાલનના પદ્ધતિસરના અભ્યાસથી આવનારા સમયમાં આ ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ સંભાવનાઓ સર્જાશે. વિશ્વનું કલ્યાણ થશે. આ યુનિવર્સિટી તેના સંકલ્પમાં સિદ્ધ થાય એવી શુભકામનાઓ તેમણે પાઠવી હતી.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ તૈતરીયોપનિષદના સંદર્ભ સાથે કહ્યું હતું કે, યુવાનોએ વ્યવહારિક જીવનમાં હંમેશા સત્યનું આચરણ કરવું જોઈએ. પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સપૂતોએ સત્યને જીવન આધાર બનાવ્યો. એ જ રીતે દરેકે હંમેશા સત્યની કસોટીની એરણ પર ખરા ઉતરીને જીવન જીવવું જોઈએ.
યુવાનોને કર્તવ્યપરાયણતા અને પ્રામાણિકતા માટે આગ્રહ કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આજે દેશની સૌથી મોટી સમસ્યા જ એ છે કે લોકો પોતાના અધિકારો માટે જેટલા સજાગ, જાગૃત અને ચિંતિત છે એટલા પોતાના કર્તવ્ય પરત્વે નથી. યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, ગુજરાતના એક સામાન્ય પરિવારમાં જન્મીને, અનેક સંઘર્ષો સામે લડીને ઉછરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રઢ ઈચ્છાશક્તિ, સમર્પણભાવ, પ્રામાણિકતા અને જવાબદારીપૂર્વક એવું જીવન જીવ્યા કે આજે ભારત જેવા મહાન રાષ્ટ્રનું નેતૃત્વ કરે છે. એટલું જ નહીં, માત્ર આઠ વર્ષના શાસનમાં તેમણે સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવભર્યું સર્વોચ્ચ સ્થાન અપાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાંથી પ્રેરણા લઈને સૌ યુવાનોને રાષ્ટ્ર અને દેશની સેવાનો સાચો ધર્મ અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દીક્ષાંત એ શિક્ષાંત નથી. જે વિષય ભણ્યા છો તેનો અભ્યાસ નિરંતર ચાલુ રાખજો. અભ્યાસ વિના વિદ્યા લુપ્ત થતી જાય છે. જે વિદ્યા અન્યના કલ્યાણ હેતુ ઉપયોગમાં નથી આવતી એવી વિદ્યાનો કોઈ અર્થ નથી. તેમણે રાષ્ટ્રની ઉન્નતિ માટે, લોકહિત માટે વિદ્યા વાપરવા જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, ગમે તેટલી ઉન્નતિ કરો. ધન-યશ-કીર્તિ કમાઓ પણ ક્યારેય માતા-પિતા અને ગુરુનો અનાદર ન કરતા. જેમણે દીપકની જેમ જાત બાળીને તમારા જીવનમાં પ્રકાશ પાથર્યો છે તેમનો યશ વધે, પ્રતિષ્ઠા અને સન્માન વધે એવું જીવન જીવજો.
ગૌ-કૃષિ વિદ્યા કેન્દ્રના શુભારંભ પ્રસંગે પ્રસન્નતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના સતત ઉપયોગથી આપણે અન્નમાં સ્લો-પૉઈઝન લઈ રહ્યા છીએ. આપણું શરીર અનેક રોગોનું ઘર થઈ ગયું છે. પાણી પણ પીવા લાયક નથી રહ્યું. હવા અશુદ્ધ છે. ધરતી પણ ઝેરી થઈ ગઈ છે. ત્યાં સુધી કે માના દૂધમાં પણ યુરીયાની માત્રા જોવા મળી છે. આ સમસ્યાઓના સમાધાન માટે આપણે પ્રકૃતિ તરફ પાછા વળવું પડશે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી જ તમામ સમસ્યાઓનો ઉકેલ છે. તેમણે સુવર્ણચંદ્રક હાંસલ કરનાર અને ડિગ્રી મેળવનાર સૌ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને અભિનંદન આપ્યા હતા.
આ તકે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યા પ્રાપ્તિનો કોઈ અંત નથી હોતો, એ જીવનભર ચાલતી નિરંતર પ્રક્રિયા છે. ભારતીય યુવાનોનું ટેલેન્ટ વિશ્વના તમામ ખૂણે જોવા મળે છે. શિક્ષણ અને દુનિયા સાથે તાલમેલ કેળવી શકાય તેવા પ્રયાસો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બનેલી નવી શિક્ષણ નીતિમાં તેનો સાક્ષાત્કાર થાય છે. નવી શિક્ષણ નીતિમાં ગીતા, રામાયણ, મહાભારત સહિતના ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન વણી લેવામાં આવ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી શકાય. તેમજ ગુરૂજનોએ પણ સતત અપડેટ રહેવું જોઈએ જેથી વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે.
રાજયકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાએ કહ્યું હતું કે, વિદ્યાર્થી શિક્ષણનો સાચો મર્મ અને ધર્મ સમજે, તેમણે પ્રાપ્ત કરેલું શિક્ષણ સમાજ ઉપયોગી બને અને રાષ્ટ્રને સમર્પિત થાય તે આજના સમયની જરૂરિયાત છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય અને જીવનની સર્વોત્તમ ઉર્ધ્વગામી સિદ્ધિ પ્રાપ્ત કરે તે સાચા અર્થમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું ગણાય. રાગ-દ્વેષ,લોભથી દૂર રહીને કર્મની રાહ પર ચાલીને “સત્યમેવ જયતે”નો ભાવ રાખીને આગળ વધવા મંત્રી દ્વારા તમામ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
આ તકે મહાનુભાવોના હસ્તે ૧૩ વિદ્યાશાખાના ૧૨૬ વિદ્યાર્થીઓને ૧૪૭ ગોલ્ડમેડલ અર્પણ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટની વિદ્યાર્થીની કાપડીયા ધીરતા અતુલભાઈને એમ.એસ. બ્રાન્ચ—૧ જનરલ સર્જરી માં ૦૩ (ત્રણ) ગોલ્ડમેડલ તથા એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જામનગરના વિદ્યાર્થી વડાલીયા અક્ષત કેશુભાઈને એમ.એસ. બ્રાન્ચ-૧ જનરલ સર્જરીમાં ૦૩ (ત્રણ) ગોલ્ડ મેડલ, ગાયત્રી ગુરૂકૃપા બી.એડ. કોલેજ, લાઠીના વિદ્યાર્થી લશ્કરી તુષાર રાજુભાઈને એલ.એલ.બી. સેમ-૬ માં ૦૩ (ત્રણ) ગોલ્ડ મેડલ, દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વાંકાનેરની વિધાર્થીની વોરા હેતલબેન ત્રિભોવનભાઈને બી.એ. ગુજરાતીમાં ૦૩ (ત્રણ) ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહમાં લાકડાના વિશિષ્ટ બોક્ષમાં પદવી એનાયત કરવામાં આવી હતી.
આ તકે કુલપતિ ગિરીશભાઈ ભીમાણીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યા હતા. તેમજ આભારવિધિ પરિક્ષા નિયામક નિલેશભાઈ સોનીએ કરી હતી.
આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજનભાઈ પટેલ, ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો. એમ.એમ. ત્રિવેદી, સિન્ડિકેટ સભ્ય ડો. રાજેશભાઈ કાલરીયા, ડો. વિમલભાઈ પરમાર, ડો. ધરમભાઈ કાંબલીયા, ભવનોના અધ્યક્ષઓ, પ્રાધ્યાપકઓ, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં સુવર્ણચંદ્રક મેળવનાર વિદ્યાર્થીઓ તથા તેઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.






