નવસારી જિલ્લામાં ફરીવાર અકસ્માતની ઘટના બની છે. ચીખલી પાસેના આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એમાં કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતી રહી હતી. ઘટનાસ્થળે 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કારમાં સવાર યુવકો બેન્કોકથી મુંબઈ એરપોર્ટ આવ્યા હતા, જ્યાથી કાર લઈ સુરત તરફ જઈ રહ્યા હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે.
ત્યારે ચીખલી હાઈવે પર તેમને અકસ્માત નડ્યો હતો, જેથી ફરી એકવાર ચીખલી હાઈવે લોહિયાળ બન્યો હતો. કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે નવસારી ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત બાદ કારના સ્પીડો મીટર પર લાસ્ટ સ્પીડ 170ની જોવા મળી રહી છે, જેથી ઓવરસ્પીડના કારણે પણ અકસ્માત બન્યો હોવાનું જોવા મળી રહ્યુ છે. જોકે હાલ આ અકસ્માતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે, જે બાદ જ અકસ્માતનું સાચું કારણ સામે આવશે.






