ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષા ગઈકાલે સવારે 11 કલાકે યોજવવાની હતી. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પેપર લીક થવાના કારણે પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. પોલીસને યુવક પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી. જે બાદ પુછપરછ બાદ પોલીસે યુવકની ધરપકડ લીધી છે. 9 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. પોલીસ તરફથી મળેલી માહિતી પ્રમાણે, પોલીસને મળેલી બાતમીનાં આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી લેવામાં આવી છે. આ વ્યક્તિની ધરપકડ કરીને ઘનિષ્ઠ પુછપરછ કરતા તેની પાસેથી આ પરીક્ષાનાં પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી. આ બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાત પંચાચત સેવા પસંદગી મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવારોનાં વિશાળ હિતમાં સવારે 11 કલાકે યોજાનારી પરીક્ષા મોકુફ કરવાનો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે રાજ્યના તમામ જિલ્લાઓમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવવાની હતી. 1181 જગ્યા માટે જાહેર કરેલી ભરતી માટે 9.53 લાખ ઉમેદવાર રજિસ્ટર્ડ થયા હતા. 7.65 લાખ ઉમેદવારે શનિવાર સુધીમાં કોલલેટર ડાઉનલોડ કર્યા હતા. પહેલી વાર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારો પરીક્ષા કેમ્પસમાં પણ મોબાઇલ ફોન કે બેગ સાથે લઈ જઈ શકશે નહીં.
વિધાનસભા ચૂંટણી બાદ 29 જાન્યુઆરીએ એટલે રવિવારે રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષા યોજાવવાની હતી. પંચાયત સેવા પસંદગી મંડળની વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવવાની હતી. જે માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં તૈનાત કરવામાં આવી હતી. 200થી વધારે ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ કાર્યરત હતા. આ પરીક્ષામાં તમામ ક્લાસરૂમ સીસીટીવીથી સજ્જ કરાયા હતા. ઉમેદવારોને પેન, આઈકાર્ડ અને કોલ લેટર સિવાય કંઈપણ લઇ જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. પરીક્ષાના સીલબંધ મટીરીયલ્સ રાખવા માટે વિવિધ જિલ્લાઓ ખાતે કુલ-42 જેટલા સ્ટ્રોંગરૂમ રાખવામાં આવેલ હતા.






