Home દેશ જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં મળેલા લીથિયમ વિષે વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યુ કે “ગુણવત્તા સારી...

જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં મળેલા લીથિયમ વિષે વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યુ કે “ગુણવત્તા સારી છે અને ભારત આનાથી ચીનને હરાવશે”

90
0

જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં 5.9 મિલિયન ટન લિથિયમ ભંડારની શોધ કરી છે. આ ધાતુનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો અને સોલાર પેનલ બનાવવામાં થાય છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યુ હતુ કે, ‘રિયાસીમાં મળી આવેલા દેશના પ્રથમ લિથિયમ ભંડારમાં લિથિયમની ગુણવત્તા ઉત્તમ છે. બીજી તરફ, આ લિથિયમ રિઝર્વ હોવાથી ગ્રામજનોને આશા છે કે, આ શોધથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. જમ્મુ અને કાશ્મીરના ખાણ સચિવ અમિત શર્માએ જણાવ્યુ હતુ કે, ‘લિથિયમ દુર્લભ સંસાધનોની શ્રેણીમાં આવે છે અને પહેલા તે ભારતમાં ઉપલબ્ધ નહોતું. તેને કારણે અમે તેની 100 ટકા આયાત પર નિર્ભર હતા. GSI દ્વારા હાથ ધરવામાં આવેલા G-3 (અગ્રિમ) અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, માતા વૈષ્ણોદેવી મંદિરની તળેટીમાં આવેલા સલાલ ગામ (રિયાસી જિલ્લો)માં હાજર લિથિયમ ભંડાર ઉચ્ચ ગુણવત્તાનો છે.

શર્માએ જણાવ્યુ હતુ કે, ‘સામાન્ય શ્રેણીમાં લિથિયમનો ગ્રેડ 220 પાર્ટ્સ પ્રતિ મિલિયન (ppm) છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરના ભંડારમાં જોવા મળતો લિથિયમ 550 પીપીએમ ગ્રેડથી વધુ છે. આ રિઝર્વ લગભગ 59 લાખ ટન છે, જે લિથિયમની ઉપલબ્ધતાને મામલે ચીનને પછાડી દેશે.’ શર્માએ કહ્યુ, ‘લિથિયમ મળતાંની સાથે જ ભારત લિથિયમ ધરાવતા દેશોની લીગમાં જોડાઈ ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને પૂર્ણ કરશે.’ તેમણે કહ્યુ કે, ‘લિથિયમનો વ્યાપક ઉપયોગ છે અને ભારતના G-20 પ્રમુખપદ દરમિયાન તેની શોધ જમ્મુ અને કાશ્મીરને તેના સમૃદ્ધ ભંડારને દર્શાવવાની તક પૂરી પાડશે.’ ખનન શરૂ કરવાના સમયગાળા વિશે પૂછતા ખનન સચિવે કહ્યુ હતુ કે, દરેક યોજના સમય માંગી લેતી હોય છે. તેમણે કહ્યુ હતુ કે, ‘અમે જી-3નો અભ્યાસ કર્યો છે. ધાતુ ખનન શરૂ કરતા પહેલાં જી-2 અને જી-1 વિશે અધ્યયન કરવામાં આવશે.’ ત્યારે ગ્રામીણ લોકો પણ આ શોધને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. સલાલ ગામના ડેપ્યુટી સરપંચ રાજેન્દ્ર સિંહે કહ્યુ કે, ‘આ આપણાં બધા માટે ગર્વની ક્ષણ છે. રેલ પ્રોજેક્ટ અને માતા વૈષ્ણોદેવી તીર્થસ્થાન સ્થાનિક લોકો માટે રોજગારનું સૌથી મોટું સાધન છે, પરંતુ હવે આ (લિથિયમ) પ્રોજેક્ટ પરિવર્તનકારી સાબિત થશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here