રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૮૦૮.૯૭ સામે ૬૦૦૦૭.૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૦૦૫.૬૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૯૨.૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૫.૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૨૨૪.૪૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૪૧.૫૫ સામે ૧૭૭૩૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૨૪.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૯.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૩.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૭૭૪.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મંદીના એક તરફ ફફડાટ અને ફુગાવાને લઈ સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં વૃદ્વિ ચાલુ રહેવાના નેગેટીવ પરિબળ સામે સ્થાનિક સ્તરે અદાણી ગ્રુપ દ્વારા વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ પુન:પ્રસ્થાપિત કરવા હોંગકોંગ ખાતે ઈન્વેસ્ટરોની સાથે મીટિંગ યોજાયાના અને ગ્રુપ દ્વારા શેરો સામેની ૭૯ કરોડ ડોલર સુધીની લોનોની માર્ચ સુધીમાં ભરપાઈ કરી દેવાની યોજનાના અહેવાલો પાછળ અદાણી ગ્રુપના શેરોમાં સતત લેવાલી નોંધાતા તેમજ ફંડો દ્વારા સતત વેચવાલી બાદ આજે નીચા મથાળે નવી લેવાલી નોંધાતા આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો.
યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે વધેલા ઘર્ષણને લઈ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન અને વૈશ્વિક મોરચે યુ.એસ. ફેડરલ રિઝર્વની ઊંચા વ્યાજ દરોમાં વધારાની ચેતવણી વચ્ચે ૧૦ વર્ષિય યુ.એસ. ટ્રેઝરી બોન્ડ્સ પણ નવેમ્બર બાદથી પ્રથમ વખત ૪%ની ટોચ બનાવી લીધી હોવાનો સંકેત છતાં આજે સ્થાનિક સ્તરે અનેક સાનુકુળ અહેવાલો પાછળ બીએસઈ સેન્સેક્સ ૪૧૫ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૦૩ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૩૦ લાખ કરોડ વધીને રૂ.૨૬૫.૪૫ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, મેટલ અને કેપિટલ ગુડ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૭૦ અને વધનારની સંખ્યા ૨૦૯૯ રહી હતી, ૨૦૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, સમાપ્ત થયેલા ફેબ્રુઆરી માસમાં દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોરદાર વધારો થયો હતો. એસ એન્ડ પી ગ્લોબલ ઈન્ડિયા સર્વિસીઝ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ગત મહિને વધીને ૫૯.૪૦ સાથે બાર વર્ષની ઊંચી સપાટીએ રહ્યો હતો. જાન્યુઆરી માસનો પીએમઆઈ ૫૭.૨૦ રહ્યો હતો. તેની પહેલા જાહેર થયેલો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ચાર માસની નીચી સપાટીએ રહ્યો હતો. દેશમાં સેવા ક્ષેત્રે ભાવનું દબાણ નીચું રહેતા માગમાં મજબૂતાઈ જોવા મળી હતી એમ પીએમઆઈના સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)માં સેવા ક્ષેત્રનો હિસ્સો ૫૪% જેટલો છે ત્યારે સેવા ક્ષેત્રનો વિકાસ વર્તમાન નાણાં વર્ષના આર્થિક વિકાસ દરને ટેકો આપશે તેવી નીતિવિષયકોને આશા જાગી છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૬.૩૦% રહ્યા બાદ ડીસેમ્બર ત્રિમાસિકનો આર્થિક વિકાસ દર ઘટી ૪.૪૦% આવ્યો છે.
ફેબ્રુઆરી માસનો સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૨૦૧૧ના ફેબ્રુઆરી બાદ સૌથી ઊંચો રહ્યો છે. સેવા ક્ષેત્રે નવા ઓર્ડરની માત્રા આઠ માસની ઊંચી સપાટીએ રહી હતી જ્યારે બિઝનેસ કોન્ફીડેન્સ ઘટી સાત મહિનાના તળિયે રહ્યો હતો. કર્મચારીઓની ભરતી પણ સાધારણ ઊંચી રહી હતી. સેવા ક્ષેત્રે કાચા માલની કિંમતો પણ સપ્ટેમ્બર, ૨૦૨૦ બાદ સૌથી ધીમી ગતિએ વધી હતી. કાચા માલની કિંમતમાં ધીમી વૃદ્ધિનો ટ્રેન્ડ જળવાઈ રહેશે તો, ફુગાવા મોરચે રિઝર્વ બેન્ક માટે સ્થિતિ સાનુકૂળ બનશે. સેવા ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિને પગલે ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ ૫૯ રહ્યો છે જે ગયા મહિને ૫૭.૫૦ હતો.






