પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકીઓએ પાકિસ્તાની એરફોર્સ બેઝ પર હુમલો કર્યો છે. પંજાબના મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત 5-6 ભારે હથિયારોની સાથે આતંકવાદીઓ ઘૂસ્યા છે. બંને તરફથી ભારે ગોળીનો વરસાદ થઈ રહ્યો છે અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં એરબેઝની અંદરની જોરદાર જ્વાળાઓ દેખાઈ રહી છે.. અત્યાર સુધીમાં એક હુમલાખોર માર્યો ગયો છે. તહરીક-એ-જેહાદ નામના સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. તહરીક-એ-જેહાદ પાકિસ્તાન (TJP)ના પ્રવક્તા મુલ્લા મુહમ્મદ કાસિમે મિયાંવાલી એરબેઝ પર હુમલાની જવાબદારી લીધી છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે ઘણા આત્મઘાતી હુમલાખોરો પણ આમા સામેલ છે. સ્થાનિક રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો ફૂટેજ પોસ્ટ કરીને હુમલાની જાણ કરી છે…. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આત્મઘાતી હુમલાખોરો સીડીઓ દ્વારા એરબેઝમાં પ્રવેશ્યા હતા. ત્યારપછી હુમલો શરૂ થયો હતો અને અનેક બોમ્બ વિસ્ફોટ પણ કર્યા હતા. આત્મઘાતી હુમલાખોરો વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું ઓપરેશન ચાલુ થઈ ગયું છે અને બંને તરફથી ભારે ગોળીઓનો વરસાદ વરસી રહ્યો છે. હજુ સુધી પાકિસ્તાની સેનાએ આ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. હાલમાં વધારે માહિતી મળે તેની રાહ જોવાઈ રહી છે.. તમને જણાવી દઈએ કે મિયાંવાલી એ જ એરબેઝ છે, જ્યાં ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમની પાર્ટીના સમર્થકોએ હુમલો કર્યો હતો. આટલું જ નહીં પ્રદર્શનકારીઓએ એરબેઝની બહાર એક એરક્રાફ્ટના સ્ટ્રક્ચરને પણ આગ લગાવી દીધી હતી. આ પહેલા શુક્રવારે પણ દરમાં સુરક્ષા દળોને લઈ જઈ રહેલા બે વાહનો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 14 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સે (ISPR) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યારે સુરક્ષા કાફલો ગ્વાદર જિલ્લાના પાસનીથી ઓરમારા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી.






