નવીદિલ્હી
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 20 સીટો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. છત્તીસગઢમાં સાંજે 5 વાગ્યા સુધીમાં ૭૦%થી વધુ મતદાન થયુ છે. ત્યારે રાજ્યમાં ઘણી જગ્યાઓ પર કેટલીક ઘટનાઓ પણ જોવા મળી છે. સુકમા જિલ્લામાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો, જેમાં સીઆરપીએફનો એક કમાન્ડો ઘાયલ થઈ ગયો. ત્યારે મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું મતદાન આજે પૂર્ણ થયું છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ 8.57 લાખ મતદારોમાંથી ૭૫% થી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોની કડક સુરક્ષા વચ્ચે મતદાન યોજાયુ. નક્સલ પ્રભાવિત વિસ્તારની સીટો પર કડક સુરક્ષા અને બાજ નજર રાખવામાં આવી. રાજ્યના કોંગ્રેસ સાંસદ દીપક બેજ, કવાસી લખમા, મોહન મરકામ, હાલના કોંગ્રેસના ધારાસભ્ય ચંદન કશ્યપ અને સાવિત્રી મંડાવીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી કેદાર કશ્યપ, મહેશ ગાગડા, વિક્રમ ઉસેન્ડી અને લત્તા ઉસેન્ડીએ પણ મતદાન કર્યુ.
છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં રાજ્યની કુલ 90 સીટમાંથી 20 સીટ પર 25 મહિલાઓ સહિત 223 ઉમેદવાર મેદાનમાં છે. મતદાર યાદી મુજબ આ સીટ પર 40,78,681 મતદારો છે. પ્રથમ તબક્કામાં આવતી સીટ પર મહિલા મતદાતાઓની સંખ્યા પુરૂષો કરતા વધારે છે. રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કડક ટક્કર છે.
મિઝોરમમાં 4.39 લાખ મહિલાઓ સહિત 8.57 લાખથી વધારે મતદારોએ 174 ઉમેદવારના ભાવિનો નિર્ણય કરવા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મિઝોરમમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરવા માટે રાજ્યભરમાં 7200 કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. જેથી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કમીના રહે.
તમને જણાવી દઈએ કે મતદાન પહેલા જ મ્યાનમારની 510 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય બોર્ડર અને બાંગ્લાદેશની સાથેની 318 કિલોમીટર લાંબી બોર્ડરને સીલ કરી દેવામાં આવી હતી. મતદાનનું પરિણામ 3 ડિસેમ્બર આવશે. ત્યારે જો ગયા ટર્મની વાત કરીએ તો વર્ષ 2018માં 81.61 ટકા મતદાન થયુ હતું.






