ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની તમામ મેચો હાલ ભારતના વિવિધ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટ પૂર્ણ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. એવામાં ફેન્સનો ઉત્સાહ પણ વધી ગયો છે અને દરેક એ જ જાણવા માંગે છે કે મેચ કયા યોજાશે અને ફરી મેચની ટિકિટ મળશે કે નહીં? વર્લ્ડ કપની ફાઈનલ અને સેમી ફાઈનલ મેચોને લઈ ફેન્સના ઉત્સાહને જોતાં ફરી એકવાર ટિકિટ બુકિંગ શરું કરવામાં આવશે. આ અંગે બીસીસીઆઈએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર જાણકારી આપી હતી, જેમાં જણાવ્યું હતું કે કયા અને ક્યારે ટિકિટ બુકિંગ શરૂ થશે… ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ નોક આઉટ મેચોની ટિકિટ માટે ગુરુવારે એક સૂચના જારી કરી છે. બીસીસીઆઈએ માહિતી આપી છે કે પ્રથમ સેમીફાઈનલ (15 નવેમ્બર), બીજી સેમીફાઈનલ (16 નવેમ્બર) અને 19 નવેમ્બરે યોજાનારી ફાઈનલ મેચની ટિકિટ 9 નવેમ્બરના રોજ રાત્રે 8:00 વાગ્યે સત્તાવાર ટિકિટિંગ વેબસાઈટ પર લાઈવ થશે. જે માટે તમારે આ સાઈટ https://tickets.cricketworldcup.com પર જવું પડશે… વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્માની ટીમે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સહિત તમામ ટીમોને હરાવીને સેમી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. હવે સેમી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા કઈ ટીમનો સામનો કરશે તે જલ્દી નક્કી થઈ જશે. આ વર્લ્ડ કપ પહેલા વર્ષ 2019માં ઈંગ્લેન્ડમાં યોજાયેલ ટુર્નામેન્ટમાં ભારત સેમી ફાઈનલમાં હારી ગયું હતું અને ટ્રોફી જીતવાથી વંચિત રહ્યું હતું. જોકે આ વખતે ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં છે અને ચેમ્પિયન બનવાથી માત્ર બે મેચ દૂર છે. આ વર્ષે ભારતમાં જ વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે અને ટીમ ઈન્ડિયા 2011નું પુનરાગમન કરી ટ્રોફી જીતશે એવું ફેન્સનું માનવું છે.






