આણંદ શહેરના જિટોડિયા ગામ સ્થિત આવેલી સોસાયટીમાં રહેતા 42 વર્ષીય શિક્ષિકાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જોકે, તેના મોતનું કારણ અકબંધ છે. આ મામલે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આણંદ શહેર નજીકના જિટોડીયા મહેશ્વરી પાર્કમાં મૂળ ગોધરાના અરવિંદભાઈ પરમાર 42 વર્ષીય પત્ની કોકિલાબેન અને એક પુત્ર સાથે રહે છે. અરવિંદભાઈ અને કોકિલાબેન બંને શિક્ષક છે. કોકિલાબેન આંકલાવની શાળાએ ગયા હતા.
દરમિયાન, સાંજે સ્કૂલેથી છૂટ્યા બાદ તેમણે પતિને ફોન કર્યો હતો અને આણંદ નજીક ગામડી ખાતે આવેલા ચરોતર ગેસ પંપ નજીક તેઓ પોતાની કારમાં છે અને તેઓએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાની પતિને જાણ કરી હતી. જેથી પતિ અને પુત્ર બંને તુરંત જ સ્થળ પર પહોંચી ગયા હતા. જોકે, એ સમયે તેઓ વોમીટીંગ કરતા હતા. તેમણે પાણીની બોટલમાં ઝેરી દવા મિલાવી પી લીધી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.
જોકે, તેઓ તુરંત જ તેણીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા પ્રતાપસિંહ પટેલીયાએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, તેના મોતનું કારણ અકબંધ રહ્યું હતું.






