બનાવટી ઘી ઝડપાવાની વધુ એક ઘટના સુરતના ઓલપાડમાં સામે આવી છે. જ્યાં આવેલા માસમા ગામે સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે રેડ પાડીને શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 50 લાખની કિંમતનું 8 હજાર કિલો ઘી સીઝ કર્યું છે. ગ્રામ્ય એલસીબીને બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના માસમા ગામે GIDC વિસ્તારમાં આવેલા હની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉનમાં શંકાસ્પદ ઘીનો જથ્થો છે. જેના આધારે પોલીસે રેડ કરી હતી. આ દરમિયાન ત્યાં કોઈ વ્યક્તિ હાજર નહોતી. પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો અને તાત્કાલિક FSL તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને બોલાવી ઘીના સેમ્પલ લીધા હતા. પોલીસે દાવો કર્યો છે કે રિપોર્ટમાં અખાદ્ય ઘી હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.






