કાન્સ ફેસ્ટિવલ દરમિયાન ઈન્ડિયન પેવેલિયનમાં ઈન્ડિયન પ્રોડક્શન હાઉસ પેનોરમા અને દક્ષિણ કોરિયાની એન્થોલોજી સ્ટુડિયો વચ્ચે કરાર થયા છે. આ સમયે ફિલ્મના પ્રોડ્યુસર કુમાર મંગત પાઠક અને કોરિયાના જે ચોઈ વહાં ઉપસ્થિત હતા. અગાઉ દૃશ્યમની રીમેક ચીનમાં બની હતી, જેનું નામ ‘શીપ વિધાઉટ શેફર્ડ’ હતું. આ જાહેરાત સાથે કોરિયામાં પહેલી વખત કોઈ ભારતીય ફિલ્મની રીમેક બનાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. કુમાર મંગતે એન્થોલોજી સ્ટુડિયો સાથે જાેડાણ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, તેનાથી ભારતીય ફિલ્મોનો વ્યાપ વધશે અને હિન્દી સિનેમાને વૈશ્વિક ફલક પર સ્થાન મળશે. કેટલાક વર્ષોથી આપણે સૌ કોરિયાઈ શૈલીથી પ્રેરિત છીએ. હવે તેમને આપણી એક ફિલ્મમાં પ્રેરણા મળી છે. જે ચોઈએ જણાવ્યું હતું કે, કોરિયન સિનેમાના મૌલિક સ્પર્શ સાથે હિન્દી ફિલ્મની વ્યાપક સ્વરૂપમાં રીમેક બનાવવામાં આવશે. આ રીમેક કરતાં વધારે મહત્ત્વ કોરિયા અને ભારત વચ્ચેના સહ-નિર્માણનું છે. આ ભાગીદારીથી ભારતીય અને કોરિયાઈ સિનેમામાં સર્વશ્રેષ્ઠ બહાર લાવવાની તક ઊભી થશે. મલયાલમ ક્રાઈમ થ્રિલર ‘દૃશ્યમ’માં મોહનલાલનો લીડ રોલ છે. ઉચ્ચ પોલીસ અધિકારીના દીકરાની હત્યામાં તેઓ શકમંદ છે. પોતાના પરિવારને પોલીસથી બચાવવા માટે તેમણે અજમાવેલા પેંતરા આ ફિલ્મમાં છે. ૨૦૧૩માં પહેલી દૃશ્યમ રજૂ થઈ હતી. કન્નડ, તમિલ અને હિન્દીમાં તેની રીમેક બની હતી. ૨૦૨૨માં દૃશ્યમની સીક્વલની રીમેક રિલીઝ થઈ હતી. દૃશ્યમની બંને ફિલ્મો હિન્દી ઉપરાંત મલયાલમ બોક્સઓફિસ પર સફળ પુરવાર થઈ હતી.






