મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સ્માર્ટ સિટીઝના કોન્સેપ્ટને ધરાતલ પર સાકાર કરીને શહેરી સુવિધા, સુખાકારીમાં અભિવૃદ્ધિ કરવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે.
આ રાહે આગળ વધીને નાગરીકો શહેરને જ પોતાનું ઘર માને, મારું શહેર જ મારુ ઘર છે એવી ભાવના શહેરીજનોમાં કેળવાય તેવો અભિગમ શ્રી ભૂપેન્દ્ર પટેલે કેળવ્યો છે.
દિપાવલી પર્વોત્સવમાં અમદાવાદ મહાનગરને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવાની નેમ સાથે આંબલી-ઇસ્કોન રોડ પરની ઇમારતો-શોપિંગ કોમ્પલેક્ષ ડેકોરેટિવ લાઇટિંગથી સજાવાશે. લોકો દિપાવલીમાં ઘર આંગણામાં દીવડા-દીપમાળા પ્રગટાવે છે તેમ ‘મારું શહેર મારું ઘર’ થીમ સાથે ધનતેરસથી એક સપ્તાહ પ્રકાશ પર્વની રોશનીથી સમગ્ર વિસ્તાર સુશોભિત કરાશે.
ઇસ્કોન-આંબલી રોડને વિવિધ આર્કિટેક્ચરલ થિમ પર રંગબેરંગી રોશનીથી સજાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને GIHED CREDIA દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે. નાગરિકો શહેરી સુખાકારી-સુવિધાઓને જાણે-માણે, સ્વચ્છતા અંગે વધુ સભાનતા કેળવાય અને પોતાના શહેર પ્રત્યે પોતીકો ભાવ જાગૃત થાય, વધુ દ્રઢ થાય તેવા ભાવ સાથે આ સમગ્ર રોડને શણગારવામાં આવશે. આ અભિનવ પ્રયોગમાં અમદાવાદના નગરજનો જોડાઈને આવા ડેકોરેટિવ સ્થળોની મુલાકાત લઇ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સેલ્ફી કે ડેકોરેશનની તસવીરો શેર કરે તેવો આશય આ આયોજનનો છે.
રોશનીનો આ ઝગમગાટ ધન તેરસના દિવસથી શરૂ કરીને એક સપ્તાહ સુધી ‘મારુ શહેર, મારુ ઘર’નો સંદેશો આપશે. ઇસ્કોન આંબલી રોડ પર વિવિધ આર્કિટેક્ચરલ થીમ આધારિત રોશનીની સજાવટ, શણગાર અને સુંદર પ્રયોજનો દિવાળી-નવવર્ષના માહોલ વચ્ચે શહેરીજનો માટે અનેરૂ આકર્ષણ બની રહેશે. ગુજરાતના શહેરો વિશ્વ કક્ષાના બને, સૌને રહેવાલાયક, માણવાલાયક એવા ગુજરાતના શહેરોના નામ વિશ્વના નામાંકિત વિકસિત શહેરોની હરોળમાં લેવાય તેવું લક્ષ મુખ્યમંત્રીશ્રીએ સેવ્યું છે. ગુજરાતના શહેરોએ વિવિધ આર્કિટેકચરલ માર્વેલ, અર્બન ફેસીલીટીસ અને એમેનિટીઝના માપદંડો પર ખરા ઉતરીને વિશ્વ કક્ષાએ નામના મેળવી છે. ખાસ કરીને અમદાવાદમાં બીઆરટીએસ, મેટ્રો ટ્રેન સેવા, વિશ્વવિખ્યાત રિવરફ્રન્ટ, અટલબિજ વિશ્વનું સૌથી મોટું એવું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જેવા શહેરી પ્રકલ્પો પરિપૂર્ણ કરીને શહેરીજનોને તેના લાભાલાભ આપ્યા છે. ગુજરાત આગામી વર્ષે જાન્યુઆરી માસમાં ૧૦મી વાઇબ્રન્ટ સમિટ ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ થીમ સાથે યોજી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં ગુજરાતના નગરો-મહાનગરોને ફ્યુચર રેડી બનાવવા માટે શહેરોનો સર્વાંગીણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.
દિપાવલીના પર્વોમાં આંબલી-બોપલ રોડ પરનું લાઇટ ડેકોરેશન ગુજરાતના આગવા શહેરી વિકાસની પ્રતિબદ્ધતાનું દ્યોતક બની રહેશે.
