નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023 માટે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું. આ વખતના બજેટથી સામાન્ય માણસથી લઈને ખાસ માણસને ઘણી આશાઓ હતી. બજેટ ભાષણ શરૂ કરતાની સાથે જ નાણામંત્રીએ કંઈક એવું કહ્યું જેણે દેશવાસીઓના દિલ જીતી લીધા. નાણામંત્રીએ કહ્યું કે દેશની પ્રગતિને કારણે ભારતનું માથું વિશ્વમાં ઉંચુ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા પહેલાં કરતા વધુ સંગઠિત બની છે. ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. માથાદીઠ આવક બમણીથી વધુ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે 11.4 કરોડ ખેડૂતોના ખાતામાં 2.2 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમૃતકાળમાં આ પહેલું બજેટ છે, આ બજેટ પાછલા બજેટમાં રખાયેલ પાયા અને ભારત 100 માટે રખાયેલા બ્લુપ્રિન્ટ પર ઘડશે તેવી અપેક્ષા છે, અમે એક સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારતની કલ્પના કરીએ છીએ જેમાં વિકાસના ફળ બધા સુધી પહોંચે. વિશ્વએ ભારતને એક તેજસ્વી સ્ટાર તરીકે ઓળખાવ્યું છે, વર્તમાન વર્ષ માટે આપણો વિકાસ દર 7.0% હોવાનો અંદાજ છે, જે મહામારી અને યુદ્ધને કારણે મોટા પાયે વૈશ્વિક મંદી હોવા છતાં તમામ મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ છે. બજેટમાં ટેક્સમાં મોટી છૂટની જાહેરાત કરવામાં આવી જેમાં નોકરીયાતોને લાંબા સમય બાદ ખુશખબર મળતા જોવા મળી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવા ટેક્સ રિજીમમાં ટેક્સ છૂટની 5 લાખની વાર્ષિક છૂટ વધારીને 7 લાખ કરવામાં આવી છે. આ જ રીતે ઓલ્ડ રિજીમના ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરતા 2.5 લાખ રૂપિયાની જગ્યાએ હવે 3 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ આપવો નહીં પડે. નાણામંત્રીએ કહ્યું કે હવે નવા ટેક્સ રિજીમને અપનાવનારાઓએ 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 45 હજાર રૂપિયા ટેક્સ ભરવો પડશે.






