ભારત સરકારે કેટલાક કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, આ વિઝા સેવા ભારત સરકારે નક્કી કરેલ ફક્ત ચાર કેટેગરીમાં જે કેનેડાના નાગરિકનો સમાવેશ થતો હશે તેમને જ વિઝા આપવામાં આવશે. શરૂઆતના તબક્કામાં એન્ટ્રી, બિઝનેસ, મેડિકલ અને કોન્ફરન્સ માટેના વિઝા આપવાની શરૂઆત ભારત સરકારે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ, ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારત સંડોવાયેલું હોવાનું જાહેર નિવેદન કર્યું હતું.. આ નિવેદનના પગલે, ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધોમાં ભારે તણાવ આવ્યો હતો. આ તણાવને કારણે ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધુ હતું.કેનેડા સ્થિત ભારતીય હાઈ કમિશને, આજે બુધવારે જાહેર કરેલ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘સુરક્ષા સ્થિતિની સમીક્ષા કર્યા પછી, આ સંબંધમાં કેનેડા સરકારના કેટલાક તાજેતરના પગલાંને ધ્યાનમાં લેતા, ભારત સરકાર દ્વારા વિઝા સેવાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’ અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત તરફથી વીઝા સેવાઓ ફરી શરૂ કરવાની પ્રક્રિયા, આવતીકાલ ગુરુવાર એટલે કે 26 ઓક્ટોબરથી અમલમાં આવશે.. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ગત રવિવારે ભારતમાંથી કેનેડાના હાંકી કઢાયેલા રાજદ્વારીઓ અંગે પહેલીવાર પ્રતિક્રિયા આપી હતી. આ સમયે તેમણે કહ્યું હતું કે, કેનેડા સરકાર દ્વારા ભારતીય રાજદ્વારીઓને વિયેના કન્વેન્શન મુજબ કેનેડામાં સુરક્ષા આપવામાં આવે તો ભારત સરકાર કેનેડાના નાગરિકોને ‘વિઝા આપવાનું ફરી શરૂ કરવા’નું વિચારશે. એસ જયશંકરે તે સમયે એમ પણ કહ્યું હતું કે, ભારત સરકારે, કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું છે કારણ કે, કેનેડામાં અમારા રાજદ્વારીઓ માટે વિઝા આપવાનુ કામ કરવું સુરક્ષિત જણાયું નથી. જો સુરક્ષાના સ્થિતિ સુધરશે તો ભારત સરકાર તે અંગે હકારાત્મક વિચારણા કરશે.






