રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના રાણકપુર નજીક કારને કાળમુખો અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોનાં મોત નીપજ્યાં છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કિયા કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રેલર અને કાર વચ્ચે થયેલી જબરદસ્ત ટક્કરમાં કારમાં સવાર ચાર લોકોનાં મોત નીપજ્યાં છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર ચાર લોકો ઉણ ગામના હોવાનું સામે આવ્યું છે. આ ગોઝારા અકસ્માતને પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
હાલ અકસ્માતનું કારણ સામે આવ્યું નથી. જોકે, પોલીસે અકસ્માત કેવી રીતે થયો, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. જોકે, અકસ્માત બાદ કારની હાલત જોવાય નહીં તે પ્રકારની થઈ ગઈ હતી. કારનું પડીકું વળી ગઇ હતી. કારની હાલત જોતાં એમ કહી શકાય કે કારમાં સવાર કોઈ પણ વ્યક્તિ બચી ન હોઈ શકે. મહત્ત્વનું છે કે, અકસ્માત સર્જન ટેલરને પોલીસે પકડી પાડ્યું છે.






