વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતા મહિલાએ ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી પરિવાર માટે મેડિક્લેમ પોલિસી મેળવી હતી. પોલિસીધારકના પતિ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલનું 5.90 લાખનું બિલ થતું હતું. જેની સામે કંપનીએ 3.62 લાખ ચુકાવતા પોલિસીધારકે ઇન્સ્યોરન્સ કંપની સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદ ઉપર વકીલ અપૂર્વ દેસાઈની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર ગ્રાહક સુરક્ષા કોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને 1 લાખ 93 હજાર 999ની રકમ 11 જાન્યુઆરી 2021થી 7%ના વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવવાનું તથા શારીરિક માનસિક ત્રાસ તેમજ ફરિયાદ ખર્ચના રૂપિયા 2500 અલગથી ચૂકવવાનો હુકમ કર્યો છે.
વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતા છાયા એમ પંચાલે ઓરિયન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી મેડિકલ પોલિસી લીધી હતી. આ પોલિસીના સમયગાળા દરમિયાન ફરિયાદીના પતિની તબિયત ખરાબ થતાં 22 જુલાઈ 2020ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તારીખ 20 ઓગસ્ટ 2020ના રોજ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સારવાર પાછળ છાયાબેનને 5 લાખ 90 હજાર 591 રૂપિયાનો ખર્ચ થયો હતો. જે પૈકી ઓરિયન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીએ રૂપિયા 3 લાખ 62 હજાર 542 ફરિયાદીને ચૂકવ્યા હતા.
છાયાબેનને 2 લાખ 34 હજાર 049 ક્લેમના મળવા પાત્ર રકમમાંથી કંપનીએ ગેરકાયદેસર રીતે રૂપિયા કાપી લીધા હતા. જેથી ફરિયાદીએ નામદાર ગ્રાહક સુરક્ષા કમિશન વલસાડ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. એડવોકેટ અપૂર્વ નવિનરાય દેસાઈ મારફતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીના વકીલની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર ગ્રાહક સુરક્ષા કમિશનના પ્રમુખ બી જી દવે તથા સભ્ય વિક્રમ બી વકીલ અને વી બી વર્માએ ઇન્સ્યોરન્સ કંપનીને રકમ 1 લાખ 93 હજાર 999 રૂપિયા 11 જાન્યુઆરી 2021થી 7% ના વ્યાજ સાથે ચૂકવવાનું તથા શારીરિક માનસિક ત્રાસ તેમજ ફરિયાદ ખર્ચના રૂપિયા 2500 અલગથી ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે.






