પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાને આવતી કાલે તા.૩જી નવેમ્બરના રોજ વિશેષ ભેટ મળવા જઈ રહી છે. શંખેશ્વર ખાતે અંદાજીત રૂ.૨.૫૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર બસસ્ટેશનનું ખાતમુહૂર્ત વાહનવ્યવહાર રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવનાર છે. તદુપરાંત કુલ ૧૫ નવીન બસો પણ મંત્રીશ્રીના હસ્તે શંખેશ્વરના લોકોને મળવાની છે.
૧૫ નવીન બસોનું લોકાર્પણ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે જેને પરિણામે શંખેશ્વર તથા આસપાસના તમામ ગામડાઓ અને શહેરીજનોની સુવિધામાં વધારો થશે.
નવું તૈયાર થનાર શંખેશ્વર બસ સ્ટેશન અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે. કુલ ૪૪૬૦ ચો.મી. જમીન વિસ્તારમાં નિર્માણ થનાર આ બસ સ્ટેશન માટે અંદાજીત કિંમત રૂ.૨.૫૭ કરોડ ખર્ચ થશે. આ બસસ્ટેશનમાં કુલ ૭ જેટલા પ્લેટફોર્મ હશે. નવું નિર્માણ પામનાર આ બસસ્ટેશનમાં પેસેન્જર વેઈટીંગ એરીયા, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, ટોઈલેટ વીથ હેન્ડીકેપ ફેસીલીટી સહિતની નવીન સુવિધાઓ પ્રાપ્ત થશે.





