વર્ષ ૨૦૨૩-૨૪ની યોજાયેલી સચિવાલય આંતર વિભાગીય વક્તૃત્વ સ્પર્ધામાં ‘સેટ સ્પીચ સેકશન’માં કિંજલ સાંગાણી વિજેતા બનીને પ્રથમ ક્રમે આવ્યા હતા જ્યારે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા એટલે કે ‘હેટ સ્પીચ સેકસન’માં શ્રી સચિન જોષી પ્રથમ ક્રમે આવ્યા હતા. રાજ્ય સરકારના કર્મયોગીઓમાં પડેલા વૈચારિક સામર્થ્યને ઉજાગર કરવાના આશયથી પ્રતિવર્ષ સચિવાલય આંતર વિભાગીય વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ‘સેટ સ્પીચ સેકશન’માં દ્વિતીય ક્રમે સચિન જોષી અને તૃતિય ક્રમે સ્મિત શાહ રહ્યા હતાં. જ્યારે ‘હેટ સ્પીચ સેકશન’માં દ્વિતીય ક્રમે અંકુર ઉપાધ્યાય અને તૃતિય ક્રમે નિરવ રસભર્યા વિજેતા થયા હતાં. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણી અને અધિક સચિવ શ્રી જ્વલંત ત્રિવેદીએ સચિવાલયના કર્મયોગીઓમાં વક્તૃત્વ કલા ખીલવવા માટે આ પ્રકારની પ્રવૃત્તિને વેગવાન બનાવવા માટે વધુ અસરકારક રીતે તેના આયોજનની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
પ્રસ્તુત વક્તૃત્વ સ્પર્ધામાં નાયબ સચિવશ્રી કલ્પેશભાઈ ભટ્ટ અને સચિવ, ગુજરાત પ્રેસ અકાદમી શ્રી પુલકભાઈ ત્રિવેદીએ નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી. બન્ને નિર્ણાયકશ્રીઓએ સચિવાલયના કર્મયોગી મિત્રોને આ વક્તૃત્વ સ્પર્ધામાં તમામ સ્પર્ધકોની તેમના વિચારોની ગૂંથણી અને તેને અભિવ્યક્ત કરવાની શૈલીની સરાહના કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મયોગી મિત્રોમાં અદભુત વૈચારિક સામર્થ્યના આ પ્રકારની સ્પર્ધાઓમાં દર્શન થતાં હોય છે.
મારી ઓળખ મારા વિચારો, નારી અધિકારો અને સમાજ, ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ, ગુજરાત મોડલ – અદ્યતન યોજનાઓ, એક ભારત – શ્રેષ્ઠ ભારત, શેરી રમતો અને આજનું બાળપણ જેવા વિવિધ રસપ્રદ વિષયો ઉપર સચિવાલયના કર્મયોગીઓએ એમના વિચારો અભિવ્યક્ત કર્યાં હતાં. પ્રસ્તુત વિષયો પૈકી સેટ સ્પીચ સેકશનમાં ‘નારી અધિકારો અને સમાજ’ વિષય ઉપર અને હેટ સ્પીચ સેકશનમાં ‘મારી ઓળખ – મારા વિચારો’ વિષય ઉપર સૌથી વધુ કર્મયોગી મિત્રોએ તેમના વિચારો વ્યક્ત કર્યા હતાં. સામાન્ય વહીવટ વિભાગની ટીમના સભ્યો સર્વશ્રી જિજ્ઞેશ ચૌધરી, મિતેષ પટેલ, ધવલ પંડ્યા, રાજેશ રાજપુત વેગેરેએ ભારે જહેમત લઈને પ્રસ્તુત વક્તૃત્વ સ્પર્ધા નું સફળ આયોજન કર્યું હતું.






