ભાજપમાં જૂથવાદ એ કોઈ નવી બાબત નથી, હાલની ભાજપને વિરોધીઓની જરૂર નથી કારણ કે અંદરો અંદર જ એટલી ખેંચતાણ છે કે નેતાઓ એકબીજાને વેંતરી નાખવામાં એક તક ન છોડતા હોવાની ગુજરાતમાં ચર્ચાઓ છે. સીઆર પાટીલનો મામલો શાંત થયો નથી ત્યાં લોકસભાની ચૂંટણી પહેલાં બે જૂથો એકબીજાના ગણિતો સેટ કરવામાં પાર્ટીની રાજકીય પ્રતિષ્ઠાને ધૂળધાણી કરવા માટે મેદાને પડ્યાં છે. ચર્ચા છે કે, લોકસભાની ટિકિટમાં એકબીજાનો ખેલ પાડવાના આ મામલામાં હવે એજન્સીનો ઉપયોગ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ITએ ધામા નાખ્યા હોય એમ એક પછી એક દરોડા પડી રહ્યાં છે. જેમાં ભાજપ સાથે ઘરોબો ઘરાવતા જૂથો નિશાન બની રહ્યાં છે. પ્રમુખ સ્વામી શતાબ્ધી મહોત્સવમાં સક્રિય પણે જોડાયેલા બિલ્ડરો પણ ભોગ બન્યા છે. ગઈકાલે ભાજપના નેતાઓ સાથે ખાસ અંગત સંબંધ ધરાવતા અને દિલ્હી સુધી છેડા ધરાવતા દક્ષેશ શાહની ફાર્મા કંપનીમાં મુંબઈથી આવેલા અધિકારીઓએ દરોડા પાડી રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. શુક્રા ફાર્મામાં સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા અને તેમની પત્ની અને ગુજરાતના કદાવર નેતા આનંદીબેનની પૌત્રી સંસ્કૃતિ જયેશ પટેલના ઘરે પણ ITએ તપાસ કરી છે. સંસ્કૃતિ જયેશ પટેલ શુક્રા ફાર્મામાં ડિરેક્ટર છે. દરોડા પાડનારી આ ટીમને કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળ્યા હોવાની વિગતો પણ છે. શુક્રા ફાર્માના ટર્નઓવરમાં એકાએક વધારો થતાં IT ડિપાર્ટમેન્ટની નજરે આ કંપની ચઢી હોવાની વાતો છે પણ આ દરોડા ભાજપમાં ચાલતી કોલ્ડવોરના ભોગ બન્યા હોવાની ચર્ચાઓ છે. દરોડાની માહિતી લીક ના થાય એ માટે અમદાવાદ વિભાગને જાણ કર્યા વિના મુંબઈથી અધિકારીઓની એક ટીમ ત્રાટકી હતી. આ દરોડામાં 100થી વધારે અધિકારીઓ જોડાયા હતા. સુજય મહેતા, દક્ષેશ શાહ, સંસ્કૃતિ પટેલ એ ભાજપ સાથે નજીકનો ઘરોબો ધરાવે છે. 2 દિવસ પહેલાં ટાર્ગેટ થયેલા બિલ્ડરો પણ ભાજપ જૂથ સાથે સંકળાયેલા છે. એકાએક લોકસભાની ચૂંટણી પહેલાં ફાર્મા કંપનીઓ અને બિલ્ડરો ટાર્ગેટ બનતાં ગુજરાતના રાજકારણમાં હલચલ મચી છે. કેન્દ્રીય એજન્સીઓની રેડથી સ્થાનિક નેતાઓ પણ ચોંકી ગયા છે. જોકે, આ મામલે કોઈ મગનું નામ મરી પાડી રહ્યું નથી.
