જેમ જેમ ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેમ તેમ પ્રતિબંધિત ચાઇના દોરીનું બેફામ વેચાણ વધી રહ્યું છે. ત્યારે કડી તાલુકાના નંદાસણ પોલીસે રાજપુર ગામે દુકાનમાં ચાઈનીઝ દોરીનો વેપાર કરતા ઈસમને ઝડપીને ચાઇના દોરીનો મુદ્દામાલ કબ્જે કરીને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનનું સ્ટાફ ખાનગી વાહન તેમજ સરકારી વાહનમાં અલગ અલગ સ્થળે પેટ્રોલિંગ કરી રહ્યો હતો.
જે દરમિયાન રાજપુર પાટિયા પાસે પોતાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાજપુર ગામમાં રહેતો સલમાન મલેક જે રાજપુર ગામમાં આવેલા રાવળ વાસમાં મકાનની અંદર જ બનાવેલા દુકાનની અંદર ચાઈનીઝ દોરીનો વેપાર કરી રહ્યો છે.
પોલીસે બાતમીની ખરાઈ કરીને પંચોની સાક્ષીએ સ્થળ વાળી જગ્યા ઉપર રેડ કરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતો ઈસમ સલમાન મલેકને સ્થળ ઉપરથી ઝડપી પાડ્યો હતો અને રૂપિયા 3,600ની ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરીને ઈસમ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી.
