રવિવારે કેરળના એર્નાકુલમના કન્વેન્શન સેન્ટર ટ્રિપલ બ્લાસ્ટથી ખળભળી ઉઠ્યું હતું. ટ્રિપલ બ્લાસ્ટને આતંકી હુમલો ગણવામાં આવ્યો હતો. ટ્રિપલ એટેક કોણે કર્યાં તેને લઈને જાતજાતની ચર્ચા ચાલી હતી પરંતુ હવે એક એવો શખ્સ સામે આવ્યો છે કે જેણે દાવો કર્યો છે કે તે પોતે આ બ્લાસ્ટ કરાવ્યાં છે. કેરળના એર્નાકુલમના કલામાસેરીના કન્વેન્શન સેન્ટરમાં ત્રણ બ્લાસ્ટ બાદ એક વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ત્રિશૂર જિલ્લાના કોડકારા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે આ બોમ્બને કન્વેન્શન સેન્ટરમાં પ્લાન્ટ કર્યો હતો. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે આ બ્લાસ્ટ સાથે તેનો કોઇ સંબંધ છે કે નહીં તેની પોલીસે હજુ સુધી કોઇ પુષ્ટિ કરી નથી. બીજી તરફ સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ 14 જિલ્લાના પોલીસ કેપ્ટનોને તેમના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી છે. કેરળ પોલીસ પણ સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી રહી છે. પોલીસનું કહેવું છે કે ખોટી માહિતી ફેલાવનારા, સાંપ્રદાયિક અને સંવેદનશીલ પોસ્ટ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે… રવિવારે સવારે એક પછી એક ત્રણ વિસ્ફોટોથી કેરળ હચમચી ગયું હતું. કેરળના એર્નાકુલમમાં એક ખ્રિસ્તી પ્રાર્થના સભામાં ત્રણ વિસ્ફોટ થયા હતા, જેમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટો કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી વિસ્ફોટમાં વપરાયેલ વાયર, બેટરી અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી હતી. બોમ્બ ટિફિન બોક્સમાં રાખવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ તરફ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હીથી NSG બોમ્બ સ્ક્વોડને પણ કેરળ મોકલવામાં આવી છે. NSGની આ ટીમમાં બે વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ છે જેઓ ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરશે. આ વિસ્ફોટ બાદ જે વીડિયો સામે આવ્યો છે તેમાં દરેક જગ્યાએ માત્ર આગ અને ધુમાડો જ દેખાઈ રહ્યો છે. વિસ્ફોટ કેવી રીતે થયો અને કોણે કર્યો તે હજુ સ્પષ્ટ નથી. દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના અંગે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી છે.
