માતા પિતા જો અભ્યાસમાં નબળા બાળકને ફટકારે તો તે ક્રુરતા નથી. આ કહેવું છે ચંડીગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું. આ કેસમાં 14 વર્ષના પુત્રએ તેના પિતા પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે પુરાવાના અભાવે આરોપીને છોડી મૂક્યો છે. કિશનગઢના રહીશ યુવક વિરુદ્ધ 2019ના ઓગસ્ટ મહિનામાં આઈટી પાર્ક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. 14 વર્ષનો બાળક પીટાઈના કારણે ઘરેથી ભાગી ગયો હતો. એટલે સુધી કે તેણે શાળાએ જવાનું પણ છોડી દીધુ હતું. પરિવારના જણાવ્યાં મુજબ બાળક 13 ઓગસ્ટ 2018ના રોજ શાળાએથી ઘરે પાછો ફર્યો નહીં. ત્યારબાદ તપાસ શરૂ કરાઈ. આ વખતે ટીચરને પણ પૂછપરછ કરાઈ.
તેમણે જણાવ્યું કે તે શાળાએ આવ્યો જ નથી. પરિવારને ડર સતાવવા લાગ્યો કે તેમનો બાળક કિડનેપ થઈ ગયો હશે. ત્યારબાદ પિતાએ પોલીસને સંપર્ક કર્યો અને ભારતીય દંડ સહિતાની કલમ 363 હેઠળ એક કેસ દાખલ થયો. લગભગ એક વર્ષ બાદ આ બાળક 18 જૂન 2019ના રોજ ઘરે પાછો ફર્યો. કિશોર ઘરે પાછા ફર્યા બાદ તેનું નિવેદન કોર્ટમાં લેવાયું. તેણે કહ્યું કે તે પોતે જ ઘર છોડીને ગયો હતો. તેના પિતા તેને મારતા હતા અને તેની દેખભાળ કરતા નહતા. 9 ઓગસ્ટ 2019ના રોજ બાળકને તેની માતાને સોંપી દેવાયો અને કાનૂની મત લીધા બાદ પોલીસે તેના પિતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને ધરપકડ કરાઈ.
ટ્રાયલ દરમિયાન અભિયોજન પક્ષે બાળક સહિત સાત સાક્ષીના નિવેદન લીધા. કોર્ટે સાક્ષીઓને સાંભળ્યા બાદ કહ્યું કે બાળકે ક્રોઝ એક્ઝામિનેશન દરમિયાન સ્વીકાર્યું છે કે તે અભ્યાસમાં નબળો હતો. ધોરણ 8 સુધી તેનો અભ્યાસનો ખર્ચો સરકાર તરફથી કરાયો હતો અને તેના પિતાએ ધોરણ 9ની ફી આપી હતી. તેણે શાળાએ જવાનું છોડી દીધુ હતું અને ભાગતા પહેલા 15 દિવસ સુધી તે શાળાએ ગયો નહતો. એટલે સુધી કે તેની મોટી બહેનની શાળાની ફી પણ તેના પિતાના ખિસ્સામાંથી આવતી હતી.
પિતાને છોડી મૂકતા Additional Chief Judicial Magistrate ટીપીએસ રંધાવાની કોર્ટે કહ્યું કે સગીર બાળક અભ્યાસમાં નબળો હતો અને અનેક દિવસો સુધી શાળાએ જવાનું છોડી દીધુ હતું, એટલે કોઈ પણ પિતા આ પ્રકારનો વ્યવહાર સહન કરી શકે નહીં અને આવી સ્થિતિમાં કઈક ફટકાર સ્વાભાવિક હોય છે. પરંતુ માતા પિતાની આ પ્રકારની ફટકાર અને શિખામણને કિશોર ન્યાય અધિનિયમની કલમ 75 હેઠળ ક્રૂરતા કહી શકાય નહીં. કોઈ પણ વિવેકપૂર્ણ અને દેખભાળ કરનારા પિતા પોતાના બાળકને ભટકતો જોવા કઈ ઈચ્છે. વાસ્તવમાં પિતાનું કર્તવ્ય છે કે તે પોતાના બાળકને યોગ્ય રસ્તો દેખાડે.
