Home દેશ ખેડૂત પરિવારની દીકરી પ્રથમ એવી વ્યક્તિ જે સરકારી કર્મચારી બની

ખેડૂત પરિવારની દીકરી પ્રથમ એવી વ્યક્તિ જે સરકારી કર્મચારી બની

38
0

ગાંધીનગર
રાજ્ય ના પાટનગર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં નિમણૂક પત્ર મેળવનાર બીના ચૌહાણનાં શબ્દો ‘સફળતાનો પર્યાય માત્ર મહેનત છે’.
ભાવનગર જિલ્લાના વલભીપુરનું નાનકડાં ગામડાં રાજસ્થળીમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન આધારિત વ્યવસાય કરે છે. ત્યારે ગર્વની વાત એ છે કે આ નાનકડા ગામના એક ખેડૂત પરિવારની દીકરી કુટુંબમાં પ્રથમ એવી વ્યક્તિ છે જેણે પોતાની મહેનત અને પરિવારના સાથ સહકાર થકી સરકારી નોકરી મેળવી છે. રાજસ્થળી ગામના વતની ચૌહાણ બીના ભરતભાઈએ તલાટી કમ મંત્રી તરીકે અમરેલી જિલ્લામાં પોસ્ટિંગ મેળવ્યુ છે. જેનો નિમણૂક પત્ર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં મેળવવા હાજર રહ્યા હતા.
બીના પોતાની તલાટી કમ મંત્રી બન્યાની સફર જણાવતા કહે છે કે તેમનો પરિવાર એવા નાનકડા ગામમાં વસે છે જ્યાં મોટાભાગના લોકો અધવચ્ચે ભણતર છોડી ખેતી અથવા છુટક મજુરી કરે છે,છોકરીઓ થોડું શિક્ષણ મેળવી સંતોષ માની લે છે. ત્યારે તેમના પિતા અને પરિવાર તેમને સ્નાતક સુધીનો અભ્યાસ કરવા પ્રેરણા આપી અને ભણતરનું મહત્વ પહેલાથી જ સમજાવ્યું હતું. આ નિમણૂક પત્ર તેનીજ ફલશ્રૂતિ છે.
તેઓ તેમની ખુશીઓને શબ્દોમાં વર્ણવતા વધુમાં જણાવે છે કે જ્યારે પરીક્ષાનું પરિણામ આવ્યું અને પાસ થઈ તે સમાચાર માતા-પિતાને જાણ થતા તેમની ખુશીનો પાર ન હતો. પિતાના શબ્દો હતા કે, તેમના માટે ગર્વની વાત છે તેમની દીકરી પરિવારની પ્રથમ સરકારી કર્મચારી છે. ઉપરાંત બીના જણાવે છે કે તેમણે પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળામાં જ મેળવ્યુછે. ત્યારબાદ ભાવનગરની સ્વામિનારાયણ કોલેજ ખાતે સ્નાતક થયા પછી કોઈપણ ક્લાસીસ કે ટ્રેનિંગ વગર ઘરે બેસી અભ્યાસથી પહેલી વારમાં જ પરીક્ષા પાસ કરી તલાટી કમ મંત્રી નું પદ મેળવ્યુ છે. સરકારની પારદર્શિતાથી તેમનો વિશ્વાસ મક્કમ બન્યો છે, તેઓ કહે છે કે મહેનત કરે તેને ક્યાંય કોઈ અટકાવી શકતું નથી..આજે બીના પોતાની મહેનત અને સફળતા થકી ગામના અન્ય લોકો અને મહિલાઓ માટે ઉદાહરણ બની સાબિત કરી દિધું છે કે ભણતરને ભાષા માધ્યમ કે શહેર- ગામના સીમાડા નડતા નથી. સફળતાનો પર્યાય માત્ર મહેનત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here