Home ગુજરાત છત્રાલના સ્ક્રેપના વેપારી 14.52 લાખમાં છેતરાયા માલ વેચ્યો પણ પૈસા ન મળ્યા

છત્રાલના સ્ક્રેપના વેપારી 14.52 લાખમાં છેતરાયા માલ વેચ્યો પણ પૈસા ન મળ્યા

112
0

છત્રાલ જીઆઇડીસી માં એલ્યુમિનિયમના સ્ક્રેપનો ધંધો કરતા વેપારીને છેતરી એક ગઠિયો રૂપિયા 14.52 લાખનો ચૂનો લગાડી પોબારો ભણી ગયા હોવાનો બનાવ કલોલ તાલુકા પોલીસ મથકમાં નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા અને છત્રાલ જીઆઇડીસી માં એલ્યુમિનિયમના સ્ક્રેપનો ધંધો કરતા રાકેશભાઈ જૈને ફોન પર કોન્ટેક્ટ મળી માલ ખરીદનારા જયદીપ લાકડિયા સામેકલોલ તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં એવી હકીકત જણાવી છે કે બિઝનેસ ઇન્ડિયા માર્ટ નામની અમારા ધંધાની એપ મારફતે જયદીપ લાકડિયા નામના શખ્સે અમારો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તમારી પાસે જે એલ્યુમિનિયમનો સ્ક્રેપ છે અને તમે વેચવા મૂક્યો છે તે માલ લેવા માટે મારી પાસે મહારાષ્ટ્રના પુનામાં એક વેપારી છે તેને આ સ્ક્રેપ જોઈએ છે તેવી વાત કરી ઓનલાઇન પેમેન્ટ કરવા વિશ્વાસ આપ્યો હતો.

દરમિયાન મોબાઇલ પર વાત થયા મુજબ તારીખ 15 નવેમ્બર 2022 ના રોજ જયદીપ લાકડીયાએ મજૂર માણસો સાથે એક ટ્રક અમારી જીઆઇડીસી ખાતેના ગોડાઉન ઉપર મોકલી હતી. ત્યારે એક કિલો એલ્યુમિનિયમનો સ્ક્રેપ ભાવ રૂપિયા 142 નક્કી થયો હતો. તે મુજબ કુલ 8670 કિલો સ્ક્રેપ તેના માણસો દ્વારા ટ્રકમાં ભરાયો હતો. તેની કિંમત રૂપિયા 14,52,745 થાય છે.

જયદીપ લાકડિયાના કહેલા મુજબ વેપારી રાકેશ જૈને ઓફિસ – ગોડાઉન બંધ કરી ગયા હતા અને એલ્યુમિનિયમનો સ્ક્રેપ ભરેલી ટ્રક ત્યાં જ પડી હતી તેના ડ્રાઇવર અને માણસો સૂઈ ગયા હતા. દરમિયાન બીજા દિવસે તારીખ 16 નવેમ્બર 2022 સવારે રાકેશ જૈને તેમની ઓફિસે ગયા ત્યારે સ્ક્રેપ ભરેલી ટ્રક ગાયબ થઈ ગઈ હતી. એટલે કે માલ ભરેલી ટ્રક લઈને માણસો પોબારો ભણી ગયા હતા.

જેથી જયદીપ લાકડીયાને ફોન કરતા તેણે પૈસા આપી દેવાના વાયદા કર્યા હતા પરંતુ આજ સુધી કોઈ પેમેન્ટ કર્યું ન હોવાથી અમારી સાથે છેતરપિંડી થઈ છે તે અંગે ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here